<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

૫૬ વર્ષની GF અને ૩૩ વર્ષનો BF: લવ સ્‍ટોરીમાં પતિ વચ્‍ચે આવતા હત્‍યા

પ્રેમ-દગો-હત્‍યાની કરૂણ-ક્રૂર દાસ્‍તાનઃ દરજીકામ કરી પેટીયુ રળતા વૃદ્ધ પતિનું ગળુ કાપી નાખ્‍યું

ચિકમંગલૂર,તા.૨૭: કર્ણાટકના ચિકમંગલૂર જિલ્‍લાના કદુરમાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક ૬૦ વર્ષિય દરજી સુબ્રમણ્‍યની હત્‍યાનો મામલો સામે આવ્‍યો છે, જેમાં તેમની ૫૬ વર્ષની પત્‍ની મીનાક્ષમ્‍મા અને તેના ૩૩ વર્ષના પ્રેમી પ્રદીપે મળીને કાવતરું રચ્‍યું છે. આ ઘટનામાં પ્રદીપે બે મિત્રો, સિદ્ધેશ અને વિશ્વાસે પણ તેનો સાથ આપ્‍યો. તમામ કદુરના રહેવાસી છે. આ કહાની પ્રેમ, દગો અને હત્‍યાની એક દર્દનાક દાસ્‍તાન છે.

સુબ્રમણ્‍ય એક મહેનતી દરજી હતો. જે પોતાની નાની એવી દુકાનમાં રાત-દિવસ કામ કરતો હતો. તેની પત્‍ની મીનાક્ષમ્‍માએ ૨ જૂનના રોજ કદુર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ૩૧ મેના રોજ સુબ્રમણ્‍યના ઘરેથી નીકળ્‍યો અને પછી પાછો આવ્‍યો નહીં. પોલીસે ગુમ થવાની ફરિયાદ નોંધી અને તપાસ શરુ કરી. પોલીસે સુબ્રમણ્‍યના ફોનનું લોકેશન ટ્રેક કર્યું અને સીસીટીવી ફુટેજ ખંગાળ્‍યા. ત્‍યારે ૩ જૂને રેલવે પોલીસને સૂચના આપી કે રેલવે ટ્રેક પર એક અર્ધ સળગેલો પગ મળ્‍યો છે. ઘટનાસ્‍થળે પહોંચી પોલીસે લાશના બાકીના ભાગને જપ્ત કર્યા.

૩૧ મેના રોજ સુબ્રમણ્‍યને પ્રદીપ, સિદ્ધેશ અને વિશ્વાસ સાથે એક કારમાં ચડતા જોયો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી અને પૂછપરછ શરુ કરી. પૂછપરછમાં ત્રણેયે પોતાનો ગુનો કબૂલ કર્યો. ૮ જૂને તેમને કોર્ટમાં રજૂ કર્યા અને જેલમાં મોકલી દીધા. પણ મીનાક્ષમ્‍માની ભૂમિકા હજુ સુધી સ્‍પષ્ટ થઈ નથી.

પોલીસે શરુઆતમાં મીનાક્ષમ્‍મા પર શંકા નહોતી થઈ. તે પોતાના પતિના મોતના સમાચાર સાંભળીને પોક મૂકીને રડતી હતી. પણ ટેકનિકલી તપાસે બધી સચ્‍ચાઈ સામે લાવી દીધી. પોલીસે મીનાક્ષમ્‍મા અને પ્રદીપને ફોન રેકોર્ડ તપાસ્‍યા. બંનેએ છેલ્‍લા છ મહિનામાં એક પણ કોલ નહોતો કર્યો. પણ મીનાક્ષમ્‍મા વારંવાર એક નંબર ઉપર કોલ અને મેસેજ કરી રહી હતી. તપાસમાં સામે આવ્‍યું કે તે નંબર પ્રદીપની માના નામ પર હતો, પણ પ્રદીપ તેનો ઉપયોગ કરતો હતો.

પોલીસે ખુલાસો કર્યો કે ચાર વર્ષ પહેલા મીનાક્ષમ્‍મા અને પ્રદીપની મુલાકાત થઈ હતી. બંને દરજી હતા અને ધીમે ધીમે તેમની દોસ્‍તી પ્રેમમાં બદલાઈ ગઈ. જ્‍યારે સુબ્રમણ્‍યને આ સંબંધ વિશે જાણ થઈ તો તેણે વિરોધ કર્યો. મીનાક્ષમ્‍માને આ સહન ન થયું. તેણે પ્રદીપ સાથે મળીને સુબ્રમણ્‍યને રસ્‍તામાં હટાવવાની નક્કી કર્યું.

૩૧ મેના રોજ પ્રદીપ અને તેના મિત્રોએ સુબ્રમણ્‍યને તેની દુકાનેથી કારમાંથી બેસાડ્‍યો. તેને સાકરેપટના નજીક એક વેરાન જગ્‍યા પર લઈ ગયા. ત્‍યાં બધાએ દારુ પીધો. નશામાં ધૂત પ્રદીપે સુબ્રમણ્‍યનું ગળું કાપી નાખ્‍યું. ત્‍યાર બાદ તેમણે લાશને સળગાવવાની કોશિશ કરી, પણ તે સળગી નહીં. બાદમાં લાશ મૂકીને ફરાર થઈ ગયા.

મીનાક્ષમ્‍માને પણ ધરપકડ કરી છે અને સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી. તે હવે ન્‍યાયિક હિરાસતમાં છે. સુબ્રમણ્‍ય અને મીનાક્ષમ્‍માને બે દીકરીઓ છે. જેમના લગ્ન થઈ ચુક્‍યા છે. તેમના સંતાનો પણ છે.

(1:26 PM IST)