News of Wednesday, 27th August 2025
મોદી એક શાનદાર વ્યક્તિ છે : વડાપ્રધાનની ચીનની મુલાકાત પહેલા ટ્રમ્પે કર્યા વખાણ
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ ભારત પર નવા ટેરિફ પ્રતિબંધો લાદ્યા છે

નવી દિલ્હી, તા.૨૭: ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદીને એક અદભુત વ્યક્તિ ગણાવ્યા અને દાવો કર્યો કે તેમની દરમિયાનગીરીને કારણે ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળી ગયું. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ ભારત પર નવા ટેરિફ પ્રતિબંધો લાદ્યા છે. તે જ સમયે, ભારતીય વડા પ્રધાન ચીનની મુલાકાત લેવાની તૈયારી કરી રહ્યા છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો હતો કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મુકાબલા દરમિયાન તેમણે શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના હસ્તક્ષેપને કારણે જ બંને દેશો યુદ્ધના આરેથી પાછળ હટવા મજબૂર થયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં સંરક્ષણ પ્રધાન પીટ હેક્સેથ સાથે બેઠા જોવા મળે છે. આ દરમિયાન, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘અદભુત વ્યક્તિ' ગણાવ્યા અને કહ્યું કે તેમણે તેમને ફોન કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો અમેરિકા ભારત પર વેપાર પ્રતિબંધ અને ભારે ટેરિફ લાદશે.
ટ્રમ્પે શું દાવો કર્યો? : ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું, હું એક ખૂબ જ અદભૂત વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો... ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી. મેં પૂછયું કે પાકિસ્તાન સાથે શું ચાલી રહ્યું છે? ત્યાં ઘણી નફરત હતી, તે ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. તે સેંકડો વર્ષોથી અલગ અલગ નામોથી ચાલી રહ્યું છે.
ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેમણે કહ્યું, મેં તેમને કહ્યું હતું કે હું તમારી સાથે કોઈ વેપાર સોદો નહીં કરું. તમે લોકો પરમાણુ યુદ્ધમાં ફસાઈ જશો. મેં કહ્યું, કાલે મને ફરીથી ફોન કરો. પણ હું તમારી સાથે કોઈ સોદો નહીં કરું નહીં તો હું એટલો ઊંચો ટેરિફ લાદીશ કે તમારું માથું ફરકશે.
યુએસ રાષ્ટ્રપતિના જણાવ્યા મુજબ, તેમની વાતચીતના પાંચ કલાકમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ટળી ગઈ. અગાઉ, તેમણે દાવો કર્યો હતો કે તે દરમિયાન સાત વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, ગયા મહિને તેમણે કહ્યું હતું કે પાંચ વિમાનોઁ તોડી પાડવામાં આવ્યા હતા. ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું ન હતું કે વિમાનો કયા દેશના હતા.
ભારત ટ્રમ્પના આ દાવાઓને સતત નકારી રહ્યું છે. નવી દિલ્હીનું કહેવું છે કે ૧૦ મેના રોજ કરવામાં આવેલી યુદ્ધવિરામની ઘોષણા સંપૂર્ણપણે દ્વિપક્ષીય હતી અને પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓએ ભારતનો સંપર્ક કરીને પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો આગ્રહ કર્યો હતો. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી.
ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ ભારત પર નવા ટેરિફ પ્રતિબંધો લાદ્યા છે. ૨૭ ઓગસ્ટથી લાગુ કરાયેલા આ ટેરિફ પછી, ભારતીય ઉત્પાદનો પર કુલ કરનો બોજ લગભગ ૫૦% સુધી પહોંચી જશે. આવી સ્થિતિમાં, પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું ટ્રમ્પ દ્વારા મોદીને ‘મહાન વ્યક્તિ' કહેવું એ વેપાર દબાણને સંતુલિત કરવાની રણનીતિ છે.
રસપ્રદ વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની મહત્વપૂર્ણ ચીન મુલાકાતની તૈયારી કરી રહ્યા છે. રાજદ્વારી વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે ટ્રમ્પના નિવેદન પાછળ ઘણા સંદેશા છુપાયેલા છે. ટ્રમ્પ જાણે છે કે ચીન મુલાકાત પહેલા પીએમ મોદીની આંતરરાષ્ટ્રીય છબીને પ્રભાવિત કરવી એશિયામાં શક્તિ સમીકરણોના સંદર્ભમાં મહત્વપૂર્ણ હોઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું મોદી એક અદભુત વ્યક્તિ છઁ તેવું નિવેદન ફક્ત વ્યક્તિગત પ્રશંસા નથી, પરંતુ તે ભૂરાજનીતિ, વેપાર દબાણ અને સ્થાનિક અમેરિકન રાજકારણને પ્રતિબિંબિત કરે છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
