News of Wednesday, 27th August 2025
વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા :પોલીસ ફરિયાદ દાખલ
એક રાજકીય રેલીમાં મારપીટ માટે વિજય થલાપતિ અને તેની સુરક્ષા ટીમ વિરૂધ્ધ એફઆઈઆર

મદુરાઈ, તા.૨૭: તમિલનાડુમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે અભિનેતાથી નેતા બનેલા વિજય થલાપતિ વિવાદોમાં ફસાયા છે. જેમાં હાલમાં યોજાયેલી એક રાજકીય રેલીમાં મારપીટ માટે વિજય થલાપતિ અને તેની સુરક્ષા ટીમ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના ૨૧ ઓગસ્ટના રોજ તમિલનાડુના મદુરાઈમાં તમિલગા વેત્રી કઝગમની રેલી દરમિયાન ઘટી હતી.
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ જયારે મદુરાઈમાં ટીવીકેની એક રેલી યોજાઈ હતી ત્યારે મારપીટની ઘટના ઘટી હતી. જેમાં ફરિયાદી શરત કુમારે પેરમ્બલુર પોલીસ સ્ટેશનના ફરિયાદ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ રેલી દરમિયાન તે વિજય થલાપતિને મળવા માટે સ્ટેજ પર આગળ વધ્યો હતો. ત્યારે વિજય થલાપતિના બાઉન્સરોએ તેમને પકડીને જબરજ્સ્તી રેમ્પ પર ફેંકયો હતો. તેમજ તેની બાદ માર પણ મારવામાં આવ્યો. તેમજ આ રેલીમાં લોકો સાથે પણ અયોગ્ય વ્ય્વહાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આ અંગે ૨૧ ઓગસ્ટનો એક વિડીયો પર વાઈરલ થયો છે. જે વિડીયોમાં નિહાળી શકાય છે કે ટીવીકેની રેલીમાં પ્રમુખ વિજય થલાપતિ રેમ્પ પર ચાલતા હતા. ત્યારે બંને તરફ લોકોની ભારે ભીડ હતી. ત્યારે આ વિડીયોમાં બાઉન્સરો એક વ્યકિતને રેમ્પથી નીચે ફેંકતા નજરે પડે છે. આ વિડીયોમાં વિજય થલાપતિ લોકોનું અભિવાદન કરતા નજરે પડે છે.
આ ફરિયાદના આધારે પેરામ્બલુર પોલીસે વિજય થલાપતિ અને તેના સુરક્ષા કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કલમો ગેરકાયદે રીતે એકત્ર થવા, શાંતિમાં ખલેલ પહોંચાડવી સહિત અનેક ગંભીર ગુનાને ઉશ્કેરવા સંબંધિત છે.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી પૂર્વે અભિનેતામાંથી નેતા બનેલા વિજય થલાપતિ રાજકારણમાં પણ પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે પોતાનો રાજકીય પક્ષ તમિલગા વેત્રી કઝગમ બનાવ્યો છે
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
