<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

રાજસ્થાનના અજમેરમાં ડબલ હત્યાનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી લીધા

જૂથ અથડામણમાં કાકા ઇમરાન અને ભત્રીજા શાહનવાઝની હત્યા થઈ હતી; હત્યા કાંડમાં બંને પક્ષના 10 થી વધુ શખ્સો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા

રાજસ્થાનનાં અજમેરમાં થોડા સમય પહેલા નોન વેજનાં ભાવને લઈને બે જૂથ વચ્ચે હથિયારોથી હુમલો થયો હતો, જે કેસમાં 2 યુવાનોની હત્યા થઈ હતી, આ ગુનામાં પાંચ સગા ભાઈઓ સહિત અનેક આરોપીઓ સામેલ હતા, જેમાંથી 3 આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. તહેવારોને લઈને ક્રાઈમ બ્રાંચનાં ચેકિંગ દરમિયાન આ આરોપીઓ પકડાઈ ગયા હતા.

 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફ્તમાં દેખાતા આ આરોપીઓનાં નામ સલમાન કુરેશી, અલ્લારખા કુરેશી અને ઓવેશ કુરેશી છે. આ આરોપીઓ રાજસ્થાનમાં હત્યા કરીને ફરાર થઈ હતા. વિગતવાર વાત કરીયે તો રાજસ્થાનનાં અજમેરમાં આવેલા રામગંજ વિસ્તારમાં ગત 15 જુલાઈના રોજ કુરેશી જમાતના વ્હોટ્સએપ ગ્રુપમાં નોનવેજનાં ભાવ બાબતે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી. આ તકરાર એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે બે જૂથ ઘાતકી હથિયારો સાથે આમને સામને આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં કાકા ઇમરાન અને ભત્રીજા શાહનવાઝની હત્યા થઈ હતી. જે ડબલ હત્યા બાદ મૃતકના પરિવારજનો બદલો લેવા માટે પકડાયેલ આરોપીના કાકા ગુલામ નસીરુદ્દીન ઉર્ફે લાકુ કુરેશી કાર ચડાવી દઈને હત્યા કરી હતી. આ હત્યા કાંડમાં બંને પક્ષના 10 થી વધુ શખ્સો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ આરોપીમાં રહેલા ત્રણ સગા ભાઈઓ અમદાવાદ તેના સાસરિયામાં આવી ગયા હતા. જે મામલે ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા બાપુનગરથી આરોપીની ધરપકડ કરી છે.

 

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે બન્ને જૂથ નોનવેજનાં વેચાણનાં કામ સાથે જોડાયેલા હતા અને એક જ સમુદાયનાં હોય તેઓનું વ્હોટ્સએપ ગૃપ હતું, જેમાં ધંધાકિય બાબતનાં મેસેજ ન નાખવાની સ્પષ્ટ સૂચનાં હતી, જોકે મૃતક દ્વારા નોનવેજનો ભાવ તે ગૃપમાં નાખવા બાબતે ઝઘડો થયો હતો, સામ સામે 50 થી 60 લોકોના ટોળાએ એકબીજા પર હુમલો કર્યો હતો જેમાં કાકા ભત્રીજાની હત્યા કરીને આ ત્રણેય ભાઈઓ ફરાર થઇ ગયા હતા. જ્યારે બે સગા ભાઈઓ ઘટના સ્થળે પકડાયા હતા. સામે પક્ષે પણ અનેક લોકોને ઈજાઓ થઈ હતી, જેથી પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

 

આ કેસમાં અત્યાર સુધી 8 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે હજી 4 થી 5 આરોપી વોન્ટેડ છે. ત્યારે પકડાયેલ આરોપીને રામગંજ પોલીસને સોંપવા માટેની તજવીજ ક્રાઈમ બ્રાંચે હાથ ધરી છે. બીજી તરફ આ કેસ સાથે સંકળાયેલા અન્ય કોઈ આરોપીઓ અમદાવાદ આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

(6:39 PM IST)