<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

અમેરિકાએ યુક્રેન સંઘર્ષને 'મોદીનું યુદ્ધ' ગણાવ્યું: ભારત પર ૫૦% ટેરિફ લાદવા પાછળનું કારણ શું?

નાવારોનો આકરો આરોપ: ભારત યુદ્ધને ભંડોળ પૂરું પાડે છે: ભારતીય રિફાઇનરીઓને 'લોન્ડ્રોમેટ' ગણાવ્યા: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને ભૂ-રાજકીય સંબંધોમાં ગંભીર તણાવ

વોશિંગ્ટન : રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા અને ભારત વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૫૦% ટેરિફ લાદ્યો છે, જેના જવાબમાં વ્હાઈટ હાઉસના સલાહકાર પીટર નાવારોએ આ સંઘર્ષને "મોદીનું યુદ્ધ" ગણાવીને વિવાદ સર્જ્યો છે. આ કડક પગલું ભારતે પશ્ચિમી દેશોના દબાણ છતાં રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યા બાદ લેવામાં આવ્યું છે.
 
નાવારોનો આકરો આરોપ: ભારત યુદ્ધને ભંડોળ પૂરું પાડે છે
બ્લૂમબર્ગ ટેલિવિઝન સાથેની એક મુલાકાતમાં પીટર નાવારોએ દાવો કર્યો કે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાથી મોસ્કોની આક્રમકતામાં વધારો થયો છે અને યુએસ કરદાતાઓ પર બોજ પડ્યો છે. તેમણે કહ્યું કે "શાંતિનો માર્ગ અમુક અંશે ભારતમાંથી પસાર થાય છે." નાવારોએ એવું પણ કહ્યું કે જો ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરે તો તેને તરત જ ૨૫% ટેરિફમાં રાહત મળી શકે છે.

તેમણે ભારત પર "ઘમંડી" હોવાનો આરોપ પણ લગાવ્યો, કારણ કે ભારતીય અધિકારીઓ કહે છે કે "અમારી પાસે ઊંચા ટેરિફ નથી. આ અમારૂ  સાર્વભૌમત્વ છે. અમે જેની પાસેથી ઇચ્છીએ તેની પાસેથી તેલ ખરીદી શકીએ છીએ." નાવારોએ દલીલ કરી કે અમેરિકન અર્થતંત્ર અને કામદારોને ભારતના ઊંચા ટેરિફને કારણે નુકસાન થઈ રહ્યું છે, જેનાથી નોકરીઓ અને કારખાનાઓનું નુકસાન થાય છે.

ભારતીય રિફાઇનરીઓને 'લોન્ડ્રોમેટ' ગણાવ્યા
ગયા અઠવાડિયે, નાવારોએ ભારતીય રિફાઇનરીઓ પર નફાખોરીનો આરોપ લગાવતા તેમને રશિયન તેલ માટે "લોન્ડ્રોમેટ" ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, "ભારત અમને વસ્તુઓ વેચીને કમાતા પૈસાનો ઉપયોગ રશિયન તેલ ખરીદવા માટે કરે છે. તેઓ તેલને રિફાઈન કરીને ઘણા પૈસા કમાય છે. પરંતુ પછી રશિયનો તે પૈસાનો ઉપયોગ શસ્ત્રો બનાવવા અને યુક્રેનિયનોને મારવા માટે કરે છે. આ ગાંડપણ છે, કારણ કે અમેરિકન કરદાતાઓએ યુક્રેનિયનોને લશ્કરી સહાય પૂરી પાડવી પડે છે."

આ કડક નિવેદનો દર્શાવે છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને ભૂ-રાજકીય સંબંધોમાં ગંભીર તણાવ ચાલી રહ્યો છે, અને આગામી સમયમાં આ મુદ્દો કયો વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે.

 

(9:19 PM IST)