<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ભારે કરી! જાનુડીએ દિલ તોડી નાખ્‍યું તો ભાઈ મોબાઈલ ટાવર પર ચડી ગયો, લગ્ન કરવાની જીદ પકડી

આ ઘટનાનો વીડિયો ત્‍યાં હાજર લોકોએ બનાવી સોશિયલ મીડિયા પર નાખી દીધો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે

 

ચંદૌલી તા.૨૯: ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્‍લાના પીડીડીયૂ નગરમાં આવેલા રામમંદિર વિસ્‍તારમાં ગુરુવારે ત્‍યારે અફરાતફરી મચી ગઈ, જ્‍યારે પહાડવ વિસ્‍તારના રિતેશ શ્રીવાસ્‍તવ પ્રેમમાં ઘાયલ થતાં મોબાઈલ ટાવર પર ચઢી ગયા હતા. જાણકારી અનુસાર રિતેશને ચંદૌલીની એક યુવતી સાથે પ્રેમ હતો. બંનેના લગ્ન ન થતાં યુવકે દુખી થઈને આ પગલું ભર્યું હતું. તે ટાવરથી મોબાઈલ પર કોઈની સાથે વાત કરતા દેખાયો અને વારંવાર છોકરી તથા તેના પરિવારને ત્‍યાં બોલાવવાની માગ કરતો રહ્યો.

આ ઘટનાનો વીડિયો ત્‍યાં હાજર લોકોએ બનાવી સોશિયલ મીડિયા પર નાખી દીધો. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મોટી સંખ્‍યામાં લોકો એકઠા થયા, અલગ અલગ પ્રકારની વાતો કરવા લાગ્‍યા હતા. અમુક લોકો તેને યુવાનોની ભાવનાત્‍મક નબળાઈ માની રહ્યા છે, તો અમુક લોકો તેના માટે સોશિયલ મીડિયા અને ફિલ્‍મોને જવાબદાર ઠેરવી રહ્યા છે.

સૂચના મળતા જ ૧૧૨ પોલીસ ટીમ આવી પહોંચી અને સુરક્ષિત રીતે યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ શરુ કર્યો. પોલીસ સતત તેની સાથે વાત કરી રહી હતી. રિતેશના બનેવી સંજય શ્રીવાસ્‍તવે લોકલ ૧૮ સાથે વાત કરતા જણાવ્‍યું કે, તેમને આ ઘટનાની જાણકારી તેમના મિત્ર પાસેથી મળી હતી, આ ઘટનાની ચર્ચા આખા જિલ્‍લામાં થવા લાગી છે.

હાલમાં પોલીસ અને પ્રશાસન આ સ્‍થિતિ પર નજર રાખી રહ્યા છે અને છોકરીના પરિવાર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી છે. આ ઘટના હવે સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.(૩૮.૪)

(9:39 AM IST)