<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

નવી વસ્‍તી ગણતરીથી બદલાઈ જશે શહેરોનો નકશો

કેન્‍દ્ર સરકારે બહાર પાડયો પરિપત્રઃ શહેરી સમુહોને અપડેટ કરવાનો નિર્દોશઃ ૨૦૧૧ની જનસંખ્‍યાની ગણતરી બાદ કોઈ ફેરફાર નથી થયો

નવી દિલ્‍હી, તા.૨૯: આગામી વસ્‍તી ગણતરી માટે કેન્‍દ્ર સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં શહેરી સમૂહને અપડેટ કરવાનો નિર્દેશ કરવામાં આવ્‍યો છે. ૨૦૨૭ની વસ્‍તી ગણતરીમાં ભારતનો સત્તાવાર શહેરી નકશો બદલાવાનો છે. ભારતના રજિસ્‍ટ્રાર જનરલ અને વસ્‍તી ગણતરી કમિશનરની કચેરીએ આગામી વસ્‍તી ગણતરી ૨૦૨૭ માટે શહેરી સમૂહોની રચનાને અપડેટ કરવા માટે તમામ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને પ્રોફોર્માનો એક સેટ મોકલ્‍યો છે. ૨૨ ઓગસ્‍ટે રજિસ્‍ટ્રાર જનરલ અને વસ્‍તી ગણતરી કમિશનર મળત્‍યુંજય કુમાર નારાયણની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આ પ્રોફોર્મા સત્તાવાર રીતે એ દર્શાવવા માટે બનાવવામાં આવ્‍યું છે કે, ૨૦૧૧ની વસ્‍તી ગણતરી બાદ શહેરોનો વિસ્‍તાર, મર્જર અથવા પુનઃવિભાજન કેવી રીતે થયું?

નવા પરિપત્રના નિર્દેશોમાં રાજ્‍યોને ૨૦૧૧ની વસ્‍તી ગણતરીના શહેરી સમૂહોની યાદી બનાવવાનું કહેવામાં આવ્‍યું છે, જે ૨૦૧૧ની વસ્‍તી ગણતરી પછી કોઈપણ પ્રાદેશિક ફેરફારો વિના ૨૦૨૭ની વસ્‍તી ગણતરીમાં ચાલુ રહેશે. આ ઉપરાંત, ૨૦૨૭ની વસ્‍તી ગણતરી માટે ૨૦૧૧ની વસ્‍તી ગણતરીના શહેરી સમૂહોને કાઢી નાખવાનો પ્રસ્‍તાવ પણ મૂકવામાં આવ્‍યો છે. પરિપત્રમાં એવા ગામડાઓ, શહેરો, ઉપનગરો, નગરોની વિગતો પણ માંગવામાં આવી છે જે ૨૦૧૧ની વસ્‍તી ગણતરી પછી શહેરી સમૂહના કોઈપણ એકમ સાથે મર્જ કરવામાં આવ્‍યા છે.

કેન્‍દ્રએ મોકલ્‍યા પાંચ પ્રોફોર્માઃ મળતી માહિતી મુજબ, કેન્‍દ્ર દ્વારા મોકલવામાં આવેલા દસ્‍તાવેજોમાં ૫ પ્રોફોર્મા છે જે રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોએ ભરવાના રહેશે. આ પ્રોફોર્માનો હેતુ ૨૦૧૧ અને ૨૦૨૭ વચ્‍ચે શહેરી વિસ્‍તારોની સ્‍થિતિમાં થયેલા ફેરફારોની રૂપરેખા અને યાદી આપવાનો છે. દરેક પ્રોફોર્મામાં ૨૦૧૧ની વસ્‍તી ગણતરી અનુસાર, મેટાડેટા અને ડેટા સ્‍ટાન્‍ડર્ડ કોડ, ચોરસ કિલોમીટરમાં વિસ્‍તાર અને વિલીનીકરણ અથવા અધિકારક્ષેત્રમાં ફેરફારના કિસ્‍સામાં સંબંધિત સરકારી સૂચના અથવા આદેશ મુજબ ઓળખકર્તાઓ અને વસ્‍તી વિશે પણ માહિતી માંગવામાં આવે છે.

જો પરિવર્તન નહી તો યથાવત રહેશે શહેરઃ પરિપત્ર મુજબ, જે શહેરોનો ભૌગોલિક વિસ્‍તાર ૨૦૧૧ની વસ્‍તી ગણતરી પછી બદલાયો નથી તેમને જેમ છે તેમ સમાવિષ્ટ કરવાનું ચાલુ રહેશે, પરંતુ જ્‍યાં નગરપાલિકાની સરહદો વિસ્‍તરી છે અથવા નજીકના નગરો અને ગામડાઓનું શહેરીકરણ થયું છે અને શહેરોમાં ભળી ગયા છે, ત્‍યાં આવા વિલીનીકરણને સંબંધિત શહેરી સમૂહમાં સૂચના નંબરો અને તારીખ સાથે નોંધવામાં આવશે.

નવા સમૂહ માટે ખુલશે રસ્‍તોઃ તેનાથી વિપરીત, કોઈપણ ૨૦૧૧ UA જે હવે માપદંડોને પૂર્ણ કરતું નથી, અથવા જેનું પુનર્ગઠન કરવામાં આવ્‍યું છે, તેને કાઢી નાખવા માટે પ્રસ્‍તાવ કરવામાં આવી શકે છે. અંતે, આ ફોર્મ્‍સ છેલ્લા દોઢ દાયકામાં ઉભરી આવેલા સંપૂર્ણપણે નવા ક્‍લસ્‍ટરોને ઓળખવાનો માર્ગ ખોલે છે જેમ કે મેન્‍યુફેક્‍ચરિંગ કોરિડોર, IT ક્‍લસ્‍ટર અને લોજિસ્‍ટિક્‍સ હબ, જેણે શહેરોમાં શહેરી ક્ષેત્રના નિર્માણ અને વિકાસને ઝડપથી આગળ ધપાવ્‍યો છે. (રર.ર)

(10:57 AM IST)