News of Friday, 29th August 2025
સોનુ ૧,૦પ,૩૦૦-ચાંદી ૧,ર૦,પ૦૦ રૂા.ની નવી ટોચે
સોનામાં આજે વધુ ૭૦૦ રૂા. અને ચાંદીમાં પ૦૦ રૂા.નો ઉછાળો : હજુ પણ ભાવો વધે તેવી શકયતા

રાજકોટ, તા., ર૯: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં તેજીનો દોર જારી રહેતા આજે બંને કિંમતી ધાતુઓના ભાવએ ઓલટાઇમ હાઇ સપાટી બનાવી હતી. સોનાના ભાવ ૧,૦પ,૩૦૦ અને ચાંદીના ભાવ ૧,ર૦,પ૦૦ ની નવી ટોચની સપાટી સર કરી છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં આજે સોનામાં વધુ ૭૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૦૪,૬૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૦પ,૩૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં ૭૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,૪૬,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૦,પ૩,૦૦૦ રૂા. થયા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ યથાવત રહયો છે. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના કારણે સ્થાનીક બજારમાં ચાંદીમાં વધુ પ૦૦ રૂા. નો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,ર૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,ર૦,પ૦૦ ની નવી ટોચની સપાટી બનાવી હતી.
ચાલુ માસે સોનામાં ૧૦ ગ્રામે ૩૯૦૦ રૂા. અને ચાંદીમાં ૩પ૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. અમેરીકન ડોલર નબળો પડતા તેમજ અમેરીકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદાર ઘટાડવાની આશંકાએ અને વૈશ્વિક અશાંતિના કારણે આંતરરાષ્ટ્રીય સ્તેર સોનાના ભાવો વધી રહયા હોય સ્થાનીક બજારમાં સોનાના ભાવમાં ઉછાળો થઇ રહયો છે. ચાંદીમાં પણ સ્થાનીક અને વૈશ્વિકસ્તરે માંગ નિકળતા ભાવ વધારો થઇ રહયાનું અને આગામી દિવસોમાં હજુ પણ બંને કિંમતી ધાતુઓમાં નવી ભાવસપાટી જોવા મળે તો નવાઇ નહિ તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૧૬)
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
