<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

૩૭ વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી

૩ નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં:પંજાબના લોકોનું કહેવું છે કે, ૧૯૮૮ બાદ પહેલીવાર આટલું ભયાનક પૂર આવ્યું છે. એટલે કે, ૩૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે

ચંદીગઢ, તા.૨૯

પંજાબમાં પૂરના કારણે સ્થિતિ બગડી રહી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરને અડીને આવેલા જિલ્લામાં હાલ સ્થિતિ ખૂબ ખરાબ છે અને અનેક ગામો સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયા છે. અહીં રહેતા લોકો હાલ અસ્થાયી કેમ્પમાં રહેવા માટે મજબૂર છે. કોઈ આલીશાન ઘર છોડીને ભાગવા મજબૂર બન્યું છે તો કોઈકને પોતાના પશુઓને કાઢવા સુધીનો પણ સમય નથી મળ્યો. પંજાબના લોકોનું કહેવું છે કે, ૧૯૮૮ બાદ પહેલીવાર આટલું ભયાનક પૂર આવ્યું છે. એટલે કે, ૩૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદના કારણે સતલુજ, બ્યાસ અને રાવી નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. ૩૭ વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, ૩ નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં. આસપાસ દૂર-દૂર સુધી રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ફક્ત પાણી જ દેખાય છે. ખાસ કરીને પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, તરન તારન, કપૂરથલા, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસરમાં પરિસ્થિતિ ખરાબ છે. નીચાણવાળા વિસ્તારોમાં સેંકડો ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. મોટાભાગના ઘરો પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે, હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે અને જાનમાલનું મોટું નુકસાન થયું છે.

હાલ રાહત અને બચાવ કામગીરી શરૃ છે, પરંતુ પહાડોથી મેદાનો સુધી સતત વરસાદના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે. મુખ્યમંત્રી ભગવંત માને તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટીતંત્રને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. આજે તેઓ આ અંગે ચંદીગઢમાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવાના છે. રાજપુરામાં ફ્લડ કંટ્રોલ રૃમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેરી કરવામાં આવ્યો છે.

(7:41 PM IST)