<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

વૈષ્ણોદેવી પૂરમાં મૃતકોને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ: પરિવારજનોને હનુમંત સંવેદના રાશી અર્પણ કરાઈ

મોરારીબાપુએ મૃતકોના પરિવારજનો માટે રૂ.4,95,000ની હનુમંત સંવેદના રાશિ અર્પણ કરી : આ સહાય રાશિ સ્થાનિક સરકારના માધ્યમથી મૃતકોના પરિવારો સુધી પહોંચાડવામાં આવશે

જમ્મુના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનાની કરુણતા હજી તાજી છે. ત્યારે વૈષ્ણોદેવીમાં પણ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 33 લોકોનાં કરુણ મોત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ આ કુદરતી આફતનો ભોગ બન્યા હતા.

     આ કરુણાંતિકાથી સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ દુઃખદ ઘટનાના સમાચાર મળતા જ હાલ પોલેન્ડમાં રામકથા કરી રહેલા પૂજ્ય મોરારીબાપુએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ કરુણાંતિકામાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. મોરારીબાપુએ માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પરંતુ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. 

     તેમણે મૃતકોના પરિવારજનો માટે રૂ.4,95,000ની હનુમંત સંવેદના રાશિ અર્પણ કરી છે. આ સહાય રાશિ સ્થાનિક સરકારના માધ્યમથી મૃતકોના પરિવારો સુધી પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ આ મુશ્કેલ સમયમાં તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને ભગવાનને એવી વિનંતી કરી છે કે તેઓ પીડિત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. 

 

(11:29 PM IST)