News of Friday, 29th August 2025
રમત-રમતનો ખતરનાક અંજામ: ભાઈ-બહેનના પેટમાંથી ૧૬ ચુંબક મળ્યા, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
સર્જરી પછી, બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા બાદ રજા અપાઈ: ડોક્ટરોએ માતા-પિતાને આવા જોખમી રમકડાંથી બાળકોને દૂર રાખવાની આપી સલાહ

ફરીદાબાદ : ફરીદાબાદમાંથી એક અત્યંત ચોંકાવનારો અને માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં ૩ અને ૪ વર્ષના બે માસૂમ ભાઈ-બહેનો રમતા રમતા રમકડાના નાના ચુંબક ગળી ગયા, જેના કારણે તેમના પેટમાં ગંભીર નુકસાન થયું અને તેમના જીવ જોખમમાં મુકાયા.
પેટના અંદરના ભાગમાં ભયાનક નુકસાન
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ૩ વર્ષના બાળકને પેટમાં તીવ્ર દુખાવો અને સતત ઊલટી થવા લાગી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સ્કેન કરતાં ડોક્ટરોને તેના આંતરડામાં ૧૦ ચુંબક ફસાયેલા જોવા મળ્યા. આઘાતજનક વાત એ છે કે બીજા જ દિવસે, તેની ૪ વર્ષની મોટી બહેનને પણ એ જ લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેના પેટમાંથી ૬ ચુંબક મળ્યા.
અમૃતા હોસ્પિટલના બાળરોગ સર્જન ડૉ. નીતિન જૈને જણાવ્યું કે, આ ચુંબકોએ આંતરડાના અલગ-અલગ ભાગોને ચોંટી જઈને ૮ જગ્યાએ છિદ્રો પાડ્યા હતા, જેના કારણે પાચનતંત્રના મહત્વના ભાગો નાશ પામ્યા હતા.
'ચુંબક એક સાયલન્ટ કિલર'
ડૉ. જૈને આ ઘટનાને 'સાયલન્ટ કિલર' તરીકે વર્ણવી. તેમણે સમજાવ્યું કે સિક્કા જેવી વસ્તુઓ સામાન્ય રીતે અવરોધ પેદા કરે છે, પરંતુ ચુંબક અંદરથી પેશીઓને નુકસાન પહોંચાડે છે. જો એકથી વધુ ચુંબક ગળી જાય તો તે આંતરડાના અલગ-અલગ ભાગોને ચોંટી જાય છે. આનાથી પેશીઓનો રક્ત પુરવઠો કપાઈ જાય છે, જેના કારણે તેમાં છિદ્રો પડી જાય છે અને ગંભીર ચેપ લાગી શકે છે.
ઓનલાઈન રમકડાંની સલામતી પર સવાલ
બાળકોના માતા-પિતાએ જણાવ્યું કે તેમણે આ રમકડાં એક જાણીતી બ્રાન્ડ પાસેથી ઓનલાઈન ખરીદ્યા હતા, એવું માનીને કે તે સુરક્ષિત છે. આ ઘટનાએ ઓનલાઈન વેચાતા રમકડાંની સલામતી અને ખાસ કરીને નાના બાળકો માટે ચુંબકીય રમકડાંના જોખમ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સર્જરી પછી, બાળકોને લગભગ બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા બાદ રજા આપવામાં આવી. ડોક્ટરોએ માતા-પિતાને આવા જોખમી રમકડાંથી બાળકોને દૂર રાખવાની સલાહ આપી છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
