<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

બ્રિટનમાં ટેક્સચોરી કેસમાં આરિફ પટેલને ૯ કરોડ પાઉન્ડ ચૂકવવા આદેશ

૩૩.૪ મિલિયન પાઉન્ડની છેતરપિંડીઃક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ તેની સંપત્તિને વેચી શકશે

લંડન, તા.૩૦

બનાવટી ડિઝાઇનર વસ્ત્રોની તરકટી આયાત-નિકાસ કરી મની લોન્ડરિંગ કરનારાં ૫૭ વર્ષના ભારતીય મૂળના આરિફ પટેલને ૯૦ મિલિયન પાઉન્ડની રકમ પરત કરવાનો આદેશ ગુરૃવારે ચેસ્ટર ક્રાઉન કોર્ટે આપ્યો હતો. આ રકમ વસૂલ કરવા માટે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ તેની સંપત્તિને વેચી શકશે. અગાઉ યુકેમાં કરચોરી કરવા બદલ એપ્રિલ ૨૦૨૩માં આરિફ પટેલને તેની ગેરહાજરીમાં ખટલો ચલાવી વીસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જુલાઇ ૨૦૧૧ માં દુબઇ નાસી ગયેલો આરિફ પટેલએ પછી કદી યુકે પાછો ફર્યો નથી.

ચીફ ક્રાઉન પ્રોસિક્યુટર એડ્રિયાન ફોસ્ટરે જણાવ્યું હતું કે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ-સીપીએસ-હીઝ મેજેસ્ટીઝ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ -એચએમઆરસી તથા લેક્નેશાયર પોલીસે એકમેક સાથે સહકાર સાધી એવી જડબેસલાક વ્યવસ્થા કરી છે કે આરિફ પટેલ તેના બનાવટી વસ્ત્રોના કૌભાંડ અને ખોટાં વેટ ક્લેઇમ દ્વારા મેળવેલાં નાણાં પોતાની પાસે ન રાખી શકે. આરિફ પટેલે ૯૦ મિલિયન પાઉન્ડથી વધારે રકમ પરત કરવી જ પડશે અથવા તેની મૂળ કેદની સજામાં વધારો કરવામાં આવશે. સીપીએસ દ્વારા કોન્ફિસિકેશન ઓર્ડર મેળવવામાં આવ્યો હોઇ તેની પાસેથી લેણી નીકળતી રકમ પરત મેળવવા તેની સંપત્તિને વેચી શકાશે.

યુકેના પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર પટેલ અને તેની ૨૬ જણાંની ટોળકીએ કાપડની તથા મોબાઇલ ફોન્સની બનાવટી નિકાસ બતાવી બનાવટી વેલ્યુએડેડ ટેક્સ-વેટ-દ્વારા બ્રિટિશ સરકાર પાસેથી ૩૩.૪ મિલિયન પાઉન્ડ તફડાવી લીધાં હતા. તેમણે ખોખાં કંપનીઓની ચેઇન બનાવી ૧૯.૧૯ મિલિયન પાઉન્ડના બનાવટી ડિઝાઇનર્સ વસ્ત્રોની આયાત કરી તેનું વેચાણ દર્શાવ્યું હતું. આ રીતે મેળવેલાં નાણાં દ્વારા ઓફશોર બેક્ન એકાઉન્ટ ખોલાવી તેમાંથી પ્રેસ્ટન અને લંડનમાં સંપત્તિઓ ખરીદવામાં આવી હતી તેમ સીપીએસે જણાવ્યું હતું. ખોટાં હિસાબો દર્શાવવા, સરકારને છેતરવી અને મની લોન્ડરિંગના ગુનાસર આરિફ પટેલને ૨૦૨૩ માં ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો.

એચએમઆરસીના ડાયરેક્ટર રિચાર્ડ લાસે જણાવ્યું હતું કે આરિફ પટેલ લોકોના ખર્ચે વૈભવી ઠાઠથી રહેતો હતો પણ હવે તેણે ગુનાઇત પ્રવૃત્તિઓ દ્વારા ઉભું કરેલું સંપત્તિનું સામ્રાજ્ય ગુમાવવું પડશે. તેની પાસેથી વસૂલ કરવામાં આવનારી રકમ સીધી જાહેર સેવાઓના ભંડોળમાં જશે. ૨૦૧૧ અને એપ્રિલ ૨૦૨૩ દરમિયાન છ ખટલાઓ ચલાવી યુકેના ટેક્સ વિભાગે તેની ૨૬ જણાંની ટોળકીને જેલ કરી તેમને કુલ ૧૪૭ વર્ષ અને સાત મહિનાની કેદની સજા ફટકારી હતી.

એચએમઆરસીના જણાવ્યા અનુસાર જુલાઇ ૨૦૧૧માં જ આરિફ પટેલ દુબઇ ગયો હતો. એ પછી તેને તેની ગેરહાજરીમાં ગુનેગાર ઠરાવી તેને સજા કરવામાં આવી પણ તે કદી યુકે પાછો ફર્યો નથી. છેલ્લા પાંચ વર્ષમાં સીપીએસે જપ્તીના આદેશ મેળવી ૪૭૮ મિલિયન પાઉન્ડની વસૂલાત કરી છે. જેથી હજારો દોષી ગુનેગારો તેમના ગુનાઇત કૃત્યો દ્વારા મેળવવામાં આવેલી રકમના લાભ ન મેળવી શકે. ગુનાનો ભોગ બનેલાંઓને ૯૫ મિલિયન પાઉન્ડ કરતાં વધારે રકમ વળતર તરીકે પરત આપવામાં આવી છે.

(8:18 PM IST)