<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

હવે નો હેલ્મેટ, નો પેટ્રોલઃ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો કડક નિયમ લાગુ

આ નિર્ણય લેવાનો હેતુ લોકોને હેલ્મેટ પહેરવા માટે જાગૃત કરવાનો અને રોડ એક્સિડન્ટમાં થતા મૃત્યુની સંખ્યા ઘટાડવાનો છેઃ યોગી

નવી દિલ્‍હીઃ : ઉત્તર પ્રદેશમાં સરકાર રોડ સલામતીને લઈને સખત પગલાં ભરી રહી છે. હવે યોગી સરકારે હેલ્મેટને લઈને નિયમોને વધુ સખત બનાવતા એક નિર્ણય લીધો છે. જે અનુસાર, રાજ્યના પેટ્રોલ પંપ પર હેલ્મેટ વિના આવતા ટુ-વ્હીલર ચાલકોને પેટ્રોલ આપવામાં નહીં આવે. એટલે જો કોઈ હેલ્મેટ વિના બાઈક કે સ્કૂટર લઈને પેટ્રોલ ભરાવવા જશે, તો તેમને પેટ્રોલ આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવશે. આ નિર્ણય લેવાનો હેતુ લોકોને હેલ્મેટ પહેરવા માટે જાગૃત કરવાનો અને રોડ એક્સિડન્ટમાં થતા મૃત્યુની સંખ્યા ઘટાડવાનો છે.
સ્પષ્ટ કરી દઈએ કે હાલમાં આ નિયમ ફક્ત પેટ્રોલ પંપ પર હેલ્મેટ વિના આવતા ટુ-વ્હીલર ચાલકો માટે જ લાગુ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે કોઈ કાર, બસ, ટ્રક કે ઓટો ડ્રાઈવર ડીઝલ કે સીએનજી ભરાવવા માટે જાય છે, તો તેમના પર આવો કોઈ પ્રતિબંધ નથી. સરકાર આ નિયમ અંતર્ગત સીધેસીધા ટુ-વ્હીલર વાહન ચાલકો પર ધ્યાન લગાવી રહી છે, કારણ કે અકસ્માતોમાં સૌથી વધુ મૃત્યુ ટુ-વ્હીલર ચાલકોના જ થાય છે.
ટ્રાફિક વિભાગ અને વહીવટીતંત્રના આંકડાઓ પ્રમાણે, રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામતા લોકોમાં વધારે સંખ્યા એ લોકોની છે, જેઓ હેલ્મેટ વગર જ ટુ-વ્હીલર ચલાવી રહ્યા હતા. આ જ કારણ છે કે હેલ્મેટ ન પહેરનારાઓને હવે પેટ્રોલ ન આપીને તેમના પર પરોક્ષ રીતે દબાણ કરવામાં આવશે. આ નિર્ણય પછીથી, પેટ્રોલ પંપ માલિકોને પણ આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ આ નિયમોનો સખ્તાઈથી અમલ કરાવે.
નોંધનીય છે કે જો ટુ-વ્હીલર ચાલકનું વાહન સીએનજી છે અને તે સીએનજી ભરાવવા જાય, તો તેને હેલ્મેટ વગર સીએનજી મળી જશે, કારણ કે આ નિયમ ફક્ત પેટ્રોલ માટે જ છે. જણાવી દઈએ કે હવે માર્કેટમાં સીએનજીથી ચાલતી બાઇક અને સ્કૂટર આવી ગયા છે. જોકે, હેલ્મેટ પહેરવું ચાલકની સલામતી માટે જરૂરી છે. ડીઝલ માટે આવો કોઈ નિયમ બનાવવામાં નથી આવ્યો, કારણ કે કોઈ પણ ટુ-વ્હીલર ડીઝલથી નથી ચાલતા. ઘણા સમય પહેલા રોયલ એનફિલ્ડે ડીઝલ બાઈક બનાવી હતી, પરંતુ તે સફળ રહી ન હતી. આ પછી કોઈ પણ કંપનીએ ડીઝલ બાઇક બનાવી નથી.
ઉત્તર પ્રદેશમાં આ નિયમ હમણાં લાવવામાં આવ્યો છે, પણ આ અગાઉ ઘણા રાજ્યોમાં આવી પહેલ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે માત્ર દંડ લગાવવાથી લોકો નહીં સુધરે, પણ જયારે તેમના રોજિંદા જીવનમાં મહત્ત્વની જરૂરિયાત જેમ કે પેટ્રોલ બંધ થઈ જશે તો લોકો હેલ્મેટ પહેરવા પર મજબૂર બની જશે. જેનાથી તેમની જ સલામતી સુનિશ્ચિત થશે. હવે પેટ્રોલ પંપના કર્મચારીઓને પણ અધિકાર હશે કે તેઓ હેલ્મેટ વિનાના ચાલકોને પેટ્રોલ આપવાનો ઇનકાર કરી શકશે.

(10:14 AM IST)