<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી માટે TMC સાંસદ મોઇત્રા વિરુદ્ધ FIR

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ છત્તીસગઢના રાયપુરમાં FIR નોંધવામાં આવી

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ છત્તીસગઢના રાયપુરમાં FIR નોંધવામાં આવી છે. મોઇત્રાએ કથિત રીતે અમિતભાઈ શાહનું માથું કાપીને ટેબલ પર રાખવાની વાત કરી હતી.

રવિવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીની ફરિયાદના આધારે શનિવારે માના પોલીસ સ્ટેશનમાં મોઇત્રા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNC) ની કલમ 196 (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને કલમ 197 (રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ આરોપો, દાવાઓ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મોઇત્રાએ કથિત રીતે એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે જો અમિત શાહ બાંગ્લાદેશથી ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ જાય છે, તો તમારે સૌથી પહેલું કામ અમિત શાહનું માથું કાપીને તમારા ટેબલ પર રાખવું જોઈએ.

ગુરુવારે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હોવાનું કહેવાય છે. જોકે, પીટીઆઈએ તેના તરફથી વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી નથી. ટીએમસી સાંસદે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર સરહદ સુરક્ષા અંગેની પોતાની જવાબદારીઓથી છટકી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદી ગોપાલ સામન્થોએ આરોપ લગાવ્યો હતો કે મોઇત્રાની ટિપ્પણી વાંધાજનક અને ગેરબંધારણીય હતી. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 1971માં રાયપુરના માના કેમ્પ વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી શરણાર્થીઓ સ્થાયી થયા હતા. મોઇત્રાના નિવેદનથી તેમનામાં ભય પેદા થયો છે, કારણ કે આવી ટિપ્પણીઓ અન્ય સમુદાયોમાં તેમના વિરુદ્ધ ગુસ્સો ભડકી શકે છે

(11:45 PM IST)