<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

પ્રસ્‍ક્રીપ્‍શન પર ડોક્‍ટર્સને સ્‍પષ્ટ શબ્‍દોમાં લખાણ લખવાનો આદેશ

દર્દીને સારવાર વિશે જાણવાનો મૌલિક અધિકાર : કોર્ટ : તમામ મેડિકલ પ્રિસ્‍ક્રિપ્‍શન અને ડાયગ્નોસ્‍ટિક નોટિસ, પછી તે સરકારી હોસ્‍પિટલોમાં હોય કે ખાનગી, સ્‍પષ્ટ અને વાંચી શકાય તેવી રીતે લખવું જોઈએઃ કોર્ટનો નિર્દેશ

 

ચાંેદીગઢ તા.૧: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કરતા ડોક્‍ટર્સને સ્‍પષ્ટ અને વાંચી શકાય તેવી પ્રિસ્‍ક્રિપ્‍શન લખવાની કાનૂની અનિવાર્યતા બનાવી દીધી છે.

કોર્ટે નિર્દેશ આપ્‍યો છે કે તમામ મેડિકલ પ્રિસ્‍ક્રિપ્‍શન અને ડાયગ્નોસ્‍ટિક નોટિસ, પછી તે સરકારી હોસ્‍પિટલોમાં હોય કે ખાનગી, સ્‍પષ્ટ અને વાંચી શકાય તેવી રીતે લખવું જોઈએ. સારું રહેશે કે તેને મોટા અક્ષરોમાં લખવામાં આવે અથવા તો ટાઈપ કરીને અથવા ડિજિટલ રીતે ઉપલબ્‍ધ કરાવવામાં આવે.

કોર્ટે એવું પણ સ્‍પષ્ટ કર્યું કે, દર્દીને પોતાની સારવાર અને સ્‍વાસ્‍થ્‍ય સ્‍થિતિને સમજવાનો અધિકાર સંવિધાનના અનુચ્‍છેદ ૨૧ અંતર્ગત મૌલિક અધિકાર સાથે જોડાયેલો છે.

મેડિકલ શિક્ષણમાં પણ આ નિયમને સામેલ કરવામાં આવશે. હાઈકોર્ટે રાષ્ટ્રીય ચિકિત્‍સા આયોગને નિર્દેશ આપ્‍યો કે મેડિકલ કોલેજો અને સંસ્‍થાઓના પાઠ્‍યક્રમમાં સ્‍પષ્ટ લખાણ પર ખાસ ધ્‍યાન આપવામાં આવે.

સુનાવણી દરમિયાન પીજીઆઈ ચંદીગઢે જણાવ્‍યું કે, તે હોસ્‍પિટલ સૂચના પ્રણાલીમાં નવું ડોક્‍ટર ડેસ્‍ક મોડ્‍યૂલ લાગુ કરી રહ્યા છે. જેનાથી ટાઈપ થયેલી ઈ-પ્રિસ્‍ક્રિપ્‍શન મોબાઈલ એપ પર ઉપલબ્‍ધ કરાવવી પડશે.

કોર્ટે તેને અધિકતમ બે વર્ષોની અંદર લાગુ કરવાના આદેશ આપ્‍યા છે. જાસ્‍ટિસ જસગુરપ્રીત સિંહ પુરીએ કહ્યું કે, ડોક્‍ટર અને ચિકિત્‍સા વ્‍યવસાય પ્રત્‍યે કોર્ટે ગાઢ સન્‍માન રાખે છે. પણ એય જરૂરી છે કે લોકોના મૌલિક અધિકાર સુરક્ષિત રહે.

કોર્ટે કેન્‍દ્ર સરકારને  આ આદેશ એક ગુનાહિત કેસની સુનાવણી દરમિયાન આપ્‍યો, જ્‍યારે કોર્ટે જાણ્‍યું કે પીડિતની મેડિકલ લીગલ રિપોર્ટ પર ડોક્‍ટરનું લખાણ એટલું ખરાબ હતું કે તેની સમજી પણ શકાય નહીં.(૩૮.૨૩)

(9:53 AM IST)