<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

નાગપુરમાં ગડકરીનું બેબાક નિવેદનઃ સત્‍યની જીત થાય છે, પણ શોર્ટકટ નુકસાન કરે

‘‘લોકોને જે સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે એ જ શ્રેષ્ઠ નેતા બની શકે ''

 

નાગપુર  તા.૧: કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરી જેઓ પોતાના ખુલ્‍લા અને બેબાક અંદાજ માટે જાણીતા છે, તેમણે નાગપુરમાં એક એવું નિવેદન આપ્‍યું કે હવે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ગડકરીએ કહ્યું, ‘‘ે લોકોને જે સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે એ જ શ્રેષ્ઠ નેતા બની શકે.''

નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ આ રસપ્રદ નિવેદન આપ્‍યું છે. તેમણે કહ્યું, ‘‘બોલવું સરળ છે, કરવું મુશ્‍કેલ છે. હું આથોરીટી નથી, પણ હું આનો અનુભવ કરું છું, કારણ કે જે ક્ષેત્રમાં હું કામ કરું છું, ત્‍યાં દિલથી સાચું બોલવાની મનાઈ છે.'' ગડકરીએ મરાઠી કહેવત ‘હૌસે, નવસે, ગવસે'નો ઉલ્‍લેખ કરતાં આગળ કહ્યું, ‘‘અહીં બધા પ્રકારના લોકો છે, અને જે લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે, એ જ શ્રેષ્ઠ નેતા બની શકે.''

ગડકરીએ આ નિવેદનને થોડું હળવું કરતાં ભગવદ ગીતાનો ઉલ્‍લેખ કર્યો અને કહ્યું, ‘‘એક વાત સાચી છે. ભગવાન શ્રીકૃષ્‍ણે શ્રીમદ્ભગવદ ગીતામાં લખ્‍યું છે કે અંતે અહીં સત્‍યની જ જીત થાય છે.'' તેમણે શોર્ટકટની વાત કરતાં કહ્યું, ‘‘કોઈ પણ વસ્‍તુ મેળવવા માટે શોર્ટકટ હોય છે. નિયમો તોડીને રસ્‍તો ક્રોસ કરી શકાય, લાલ સિગ્નલ હોય તો પણ છલાંગ લગાવીને જઈ શકાય. પણ એક ફિલોસોફરે કહ્યું છે, ‘શોર્ટકટ, કટ યુ શોર્ટ.' એટલે જ પ્રામાણિકતા, વિશ્વસનીયતા, સમર્પણ અને સત્‍ય જેવો મૂલ્‍યોનું આપણા સમાજમાં મહત્‍વ છે.''

નીતિન ગડકરી ભાજપના એવા નેતા  તેઓ જે વિચારે છે, એ સીધું જ લોકો સમક્ષ રજૂ કરે છે. તેમણે કહ્યું, ‘‘હું કામ કરું છું. તમને ગમે તો મને વોટ આપો, નહીં તો ન આપો.'' આવા સ્‍વભાવને કારણે વિરોધી નેતાઓ પણ તેમની સામે ઓછું બોલે છે.

ગડકરીનું આ નિવેદન સોશ્‍યલ અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્‍દ્ર બની ગયું છે. સોશિયલ મીડિયા પર #NitinGadkari અને #LeaderQuotes ટ્રેન્‍ડ કરી રહ્યા છે. કેટલાક આને રાજકારણ પર તીખું વ્‍યંગ ગણાવે છે, જ્‍યારે અન્‍ય તેમાં ગડકરીની પ્રામાણિકતા જુએ છે. ગડકરીનું આ નિવેદન ભાજપની આંતરિક રાજનીતિ અને ૨૦૨૬ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સમયે આવ્‍યું છે. તે રસપ્રદ છે.(૩૮.૨૧)

(9:54 AM IST)