News of Monday, 1st September 2025
ચીનમાં ભારતના ડંકા વાગતાં અમેરિકાએ મિત્રતાની પીપૂડી વગાડી
અબ આયા ઉંટ પહાડ કે નીચે : મોદી-પુટિન-જિનપીંગ મુલાકાતની અસર જોવા મળીઃ અમેરિકાને વાસ્તવિકતાનું થયું ભાન

નવી દિલહી, તા.૧: ચીનના તિયાનજિનમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. ત્રણેય નેતાઓ એક જ મંચ પર હાજર હોવાથી અમેરિકાની ચિંતા પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને હવે વોશિંગ્ટન ખુલ્લેઆમ ભારત સાથેની મિત્રતાના મહત્વને ગણવા લાગ્યું છે.
નવી દિલ્હી સ્થિત યુએસ દૂતાવાસે ભારત સાથે મિત્રતા દર્શાવતી એક લાંબી પોસ્ટ લખી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, યુએસ એમ્બેસીએ કહ્યું, ભારત-અમેરિકા ભાગીદારી એ ૨૧મી સદીનો નિર્ણાયક સંબંધ છે. આ ભાગીદારી સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે અને તેનો આધાર આપણા બંને દેશોના લોકોની સ્થાયી મિત્રતા છે.
એટલું જ નહીં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પણ એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારત અને અમેરિકાના લોકો વચ્ચેની આ ઊંડી મિત્રતા આપણી ભાગીદારીનો પાયો છે. આ જ આપણને આગળ લઈ જાય છે અને આપણી આર્થિક ભાગીદારીની અપાર શકયતાઓને સાકાર કરે છે.
નિષ્ણાતો માને છે કે SCO સમિટમાં મોદી-પુતિન-જિનપિંગ વચ્ચે જે પ્રકારના સકારાત્મક સંદેશાઓ આવ્યા છે તેનાથી અમેરિકા પર દબાણ વધ્યું છે. રશિયા-ચીન સાથે ભારતની વધતી નિકટતાએ વોશિંગ્ટનને અહેસાસ કરાવ્યો છે કે જો તે એશિયામાં પોતાના હિતોનું રક્ષણ કરવા માંગે છે, તો તેણે ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા પડશે.
હકીકતમાં, તાજેતરમાં વ્હાઇટ હાઉસે રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી પર ઘણી તીખી ટિપ્પણીઓ કરી હતી. પરંતુ હવે SCO સમિટની તસવીરોએ સમીકરણ બદલી નાખ્યું છે. આ જ કારણ છે કે અમેરિકા હવે ભારત-અમેરિકા સંબંધોને ૨૧મી સદીની નિર્ણાયક ભાગીદારી કહેવાની ફરજ પડી રહ્યું છે. (રર.૧૯)
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
