<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ચીનથી પાછા ફરતા જ પીએમ મોદીએ મુખ્યમંત્રી ભાગવંત માનને કર્યો ફોન: પૂરગ્રસ્ત પંજાબને મદદનું આપ્યું આશ્વાસન

પઠાણકોટ, ગુરદાસપુર, અમૃતસર, ફિરોઝપુર, ફાઝિલકા અને ભટિંડામાં NDRFની ૨૦ ટીમો તૈનાત

જાપાન અને ચીનની મુલાકાત પૂર્ણ કર્યા પછી વડા પ્રધાન મોદીએ સૌપ્રથમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોન પર વાત કરી અને રાજ્યમાં પૂરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે રાજ્યને શક્ય તમામ મદદ અને સમર્થનની ખાતરી આપી છે. પંજાબમાં ભારે વરસાદ અને પૂરના કારણે વ્યાપક વિનાશ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ મૃત્યુ પઠાણકોટ જિલ્લામાં થયા છે. છેલ્લા એક મહિનાથી પંજાબના 12 જિલ્લાઓમાં પૂરે તબાહી મચાવી રહ્યું છે, જેને અધિકારીઓએ દાયકાઓમાં સૌથી ખરાબ આફત ગણાવી છે.

 

હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પંજાબમાં સતલજ, બિયાસ અને રાવી નદીઓ પૂરમાં છે. રાજ્યના ઘણા ભાગોમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. પંજાબમાં અત્યાર સુધીમાં 15,688 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ગુરદાસપુરમાં ૫,૫૪૯, ફિરોઝપુરમાં ૩,૩૨૧, ફાઝિલ્કામાં ૨,૦૪૯, અમૃતસરમાં ૧,૭૦૦ અને પઠાણકોટમાં ૧,૧૩૯ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

 

પૂરથી ૧,૦૪૪ ગામો પ્રભાવિત થયા છે અને કુલ ૨,૫૬,૧૦૭ લોકો આ આફતથી પ્રભાવિત થયા છે, જેમાંથી અમૃતસર (૩૫,૦૦૦) અને ફિરોઝપુર (૨૪,૦૧૫) સૌથી વધુ પ્રભાવિત છે. પૂરથી લગભગ ૯૬,૦૬૧ હેક્ટર ખેતીલાયક જમીનને અસર થઈ છે. પશુધનને પણ ભારે નુકસાન થયું છે, જોકે ચોક્કસ આંકડા પાણી ઓસરી ગયા પછી જ ખબર પડશે. માળખાગત સુવિધાઓને થયેલા નુકસાનનું પણ મૂલ્યાંકન પછી કરવામાં આવશે.

 

પંજાબ સરકાર, NDRF, SDRF, સેના અને પંજાબ પોલીસ જાનમાલ બચાવવા માટે દિવસ-રાત કાર્યરત છે. પઠાણકોટ, ગુરદાસપુર, અમૃતસર, ફિરોઝપુર, ફાઝિલકા અને ભટિંડામાં NDRFની ૨૦ ટીમો તૈનાત છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ રાહત અને સહાયની ખાતરી આપી છે.

(11:29 PM IST)