<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ...' ભારત, ચીન અને રશિયાની વધતી મિત્રતાથી ટ્રમ્પ 'નર્વસ', ભારતના ૫૦% ટેરિફનો કર્યો બચાવ

ટ્રમ્પના વેપાર અસંતુલનના દાવા: ભારત-રશિયા સંબંધો પર ટ્રમ્પની ટિપ્પણી: ભારત પર રશિયા પાસેથી મોટાભાગનું તેલ અને હથિયારો ખરીદવાનો પણ આરોપ

નવી દિલ્હી :  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારત, ચીન અને રશિયાના નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ ભારત પર લગાવવામાં આવેલા ૫૦% ટેરિફનો બચાવ કર્યો છે. તેમણે ભારત સાથેના વેપાર સંબંધોને 'એકતરફી' ગણાવ્યા અને રશિયા પાસેથી તેલ તથા હથિયારો ખરીદવા પર પણ સવાલ ઉઠાવ્યા.

    ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે 'એકતરફી' છે. તેમણે દાવો કર્યો કે ભારતે ૨૦૨૪માં અમેરિકાથી માત્ર ૪૧.૫ અબજ ડોલરનો માલ ખરીદ્યો, જ્યારે અમેરિકાને ૮૦ અબજ ડોલરથી વધુનો માલ વેચ્યો. ટ્રમ્પના મતે, આ એકતરફી વેપાર સંબંધોને કારણે જ આ પગલું ભરવું પડ્યું. તેમણે એમ પણ કહ્યું કે ભારતે હવે ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે, પરંતુ તે ખૂબ મોડું થયું છે. જોકે, ભારત સરકારે આ અંગે કોઈ સંકેત આપ્યો નથી.
   ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી મોટાભાગનું તેલ અને હથિયારો ખરીદવાનો પણ આરોપ લગાવ્યો, જ્યારે અમેરિકાથી બહુ ઓછી ખરીદી કરે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે SCO સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાતની તસવીરો વાયરલ થઈ છે. આ મુલાકાતને અમેરિકા માટે એકતાના સંદેશ તરીકે જોવામાં આવે છે.

(9:14 PM IST)