News of Tuesday, 2nd September 2025
સ્પાઇસજેટને એક બર્ગર અને ફ્રાઇઝ ૫૫,૦૦૦ રૂપિયામાં પડયા
ફલાઇટ ૧૪ કલાક મોડી પડી હોવા છતાં બેજવાબદાર વર્તન દાખવવા બદલ ફરિયાદ નોંધાવનાર મુસાફરને વળતર આપવાનો આદેશ

મુંબઈ તા.૨: સ્પાઇસજેટની દુબઈથી મુંબઈ આવતી ફલાઇટ ૧૪ કલાક મોડી પડી હતી. એ દરમ્યાન એરલાઇન્સ તરફથી મુસાફરોને માત્ર એક બર્ગર અને ફ્રાઇઝ આપવામાં આવ્યાં હતાં. ઍરલાઇન્સ તરફથી અપૂરતી સર્વિસ અને બેજવાબદાર વર્તન બદલ એક મુસાફરે મુંબઈ ડિસ્ટ્રિક્ટ કન્ઝયુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનમાં ફરિયાદ કરી હતી. એના ચુકાદામાં કમિશને મુસાફરને ૫૫,૦૦૦ રૂપિયા વળતર આપવાનો સ્પાઇસજેટને નિર્દેશ કર્યો છે.
કમિશને નોંધ્યું હતું કે ‘ટેકિનકલ કારણસર ફલાઇટ મોડી પડી હતી એથી મુસાફરોની યાત્રા પૂરી ન થાય ત્યાં સુધીની જવાબદારીમાંથી એરલાઇન્સ છટકી ન શકે. રીશેડ્યુલ, કેન્સલેશન કે ડિલે થવાનાં બહાનાં આપવાં સામાન્ય છે પણ એરલાઇન્સે ભોજન, પાણી અને આરામ કરવા માટે યોગ્ય જગ્યા જેવી પ્રાથમિક સુવિધા મુસાફરોને આપવી જ જોઈએ.
૨૦૨૪ના જુલાઈમાં બનેલા આ બનાવ બાદ ફરિયાદીએ ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) અને સિવિલ એવિયેશન રિક્વાયરમેન્ટ્સ (CAR)ના નિયમોનું ઉલ્લંઘન હોવાનું જણાવીને ફરિયાદ નોંધાવી હતી. બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ પંચે ફરિયાદીને વળતરપેટે ૫૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.(૩૮.૧૧)
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
