News of Tuesday, 2nd September 2025
નાના-મોટા ધંધાને ડુબવા નહીં દે સરકાર : ટ્રમ્પ ટેરિફનો સામનો કરવાનો પ્લાન તૈયાર
સરકારે MSME ક્ષેત્રને ટેરિફની અસરોથી બચાવવા માટે તૈયારી કરી લીધી છે : પહેલા પરોક્ષ સહાય પગલાં લાગુ કરી શકાય છે : આમાં ક્રેડિટ ગેરંટી હેઠળ સહાય વધારવા અને MSME માટે નોન કોલેટરલ લોન મર્યાદા વધારવા જેવા પગલાંનો સમાવેશ થાય છે

નવી દિલ્હી, તા.૨: અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ટેરિફના લીધે પડનારી અસરો સામે લડવા માટે કેન્દ્ર સરકાર ઘણા મહત્વના પગલાં ભરી રહી છે. ટેરિફના કારણે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)માં કામ કરી રહેલા કર્મચારીઓ માટે સરકાર ડાયરેક્ટ ઇનકમ સપોર્ટ સ્કિમ લાવવા અંગે વિચારણ કરી રહી છે. તેનો ઉદ્દેશ્ય પ્લ્પ્ચ્ સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓની નોકરી ન રહે તો તેમને આર્થિક સપોર્ટ પ્રદાન કરવાનો છે. એક સિનિયર સરકારી અધિકારીના હવાલાથી મનીકંટ્રોલે જણાવ્યું કે, આ યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આકારણી પૂર્ણ થયા પછી તરત જ તેને અમલમાં લાવી શકાય છે.
મનીકંટ્રોલના અહેવાલ મુજબ, સરકારે MSME ક્ષેત્રને ટેરિફની અસરોથી બચાવવા માટે તૈયારીઓ કરી લીધી છે. સૌ પ્રથમ પરોક્ષ સહાય પગલાં લાગુ કરવામાં આવી શકે છે. જેમાં ક્રેડિટ ગેરંટી હેઠળ સહાય વધારવા અને MSME માટે અસુરક્ષિત લોન મર્યાદા વધારવા જેવા પગલાં શામેલ છે.
હાલ સરકાર કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬માં જાહેર કરાયેલ ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના નિકાસ પ્રમોશન મિશન હેઠળ એક પેકેજ તૈયાર કરી રહી છે, જેમાં ઊંચા ટેરિફની અસર ઘટાડવા, નિકાસ માટે વધુ સારી માર્કેટ પહોંચ માટે લેવામાં આવનાર પગલાં શામેલ છે. આ પેકેજને ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ મંજૂર કરી શકે છે.
વધી શકે છે કોલેટ્રલ ફ્રી લોનની લિમીટ : ૧૨ ઓગસ્ટના રોજ મનીકંટ્રોલના રીપોર્ટ અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ક્રેડિટ ગેરંટી સ્કીમ (CGS) હેઠળ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે અસુરક્ષિત લોન મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરવાની તૈયારીમાં છે. આ યોજના સપ્ટેમ્બરની શરૂઆતમાં અમલમાં આવી શકે છે.
CGSની શરૂઆત વર્ષ ૨૦૧૦માં કરવામાં આવી હતી અને તેને ક્રેડિટ ગેરેન્ટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ દ્વારા મેનેજ કરવામાં આવે છે. ટ્રસ્ટ બેંકો અને નાણાકીય સંસ્થાઓને ખાતરી આપે છે કે જો કોઈ MSME યુનિટ લોન ચૂકવવામાં ડિફોલ્ટ કરે છે, તો ટ્રસ્ટ બાકી રકમના ૭૫થી ૯૦ ટકા ચૂકવશે.
નિકાસકારોને સરકારનો મજબૂત સપોર્ટ : ૨૮ ઓગસ્ટના રોજ ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના એક પ્રતિનિધિમંડળે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી અને ટેરિફ વધારાને કારણે સામનો કરી રહેલા પડકારો વિશે વિગતવાર માહિતી આપી હતી.
નાણામંત્રીએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે સરકાર ભારતીય નિકાસકારો સાથે મજબૂત રીતે ઉભી છે. તેમણે કહ્યું હતું કે, નિકાસની ચિંતાઓ દૂર કરવા માટે તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવશે અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે તમામ શકય પગલાં લેવામાં આવશે.
FIEOના પ્રમુખ એસ.સી. રાલ્હને જણાવ્યું હતું કે, વધતા ટેરિફ નિકાસકારોની સ્પર્ધાત્મકતાને અસર કરી રહ્યા છે, માર્કેટની પહોંચને મર્યાદિત કરી રહ્યા છે અને રોજગાર પર પ્રતિકૂળ અસર કરી રહ્યા છે. તેમણે સરકાર પાસેથી તાત્કાલિક અને સુવિચારિત પગલાં લેવાની માંગ કરી હતી.
સીતારમણે ખાસ કરીને કામદારોની આજીવિકા પર ફોકસ કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો. તેમણે ઉદ્યોગોને અપીલ કરી કે, તેઓ કામદારોને ખાતરી આપે કે વૈશ્વિક આર્થિક પડકારો હોવા છતાં તેમની નોકરીઓ જોખમાય નહીં.(૨૩.૨૬)
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
