<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડઃ સાગઠીયાના જામીન મંજૂર

રાજકોટના ચકચારી અને ૨૭ નિર્દોષ લોકોનો ભોગ લેનારી ગોઝારી ઘટનામાં સુપ્રિમ કોર્ટે પૂર્વ ટીપીઓને આપી રાહતઃ અગાઉ ઈલેશ ખેરને જામીન મળ્‍યા હતાઃ સુપ્રિમ કોર્ટના હૂકમ હવે અન્‍યો આરોપીઓને પણ રાહત મળવાની સંભાવના વધી :સુપ્રિમ કોર્ટે જામીન મંજૂર કર્યા છતાં સાગઠીયાને જેલમાંથી મુકિત નહી મળેઃ અન્‍ય બે કેસ (અપ્રમાણસર મિલ્‍કત સહિત) માં હજુ જેલમાં જ રહેવું પડશે

રાજકોટ, તા.૨: રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી સેશન્‍સ અને હાઇકોર્ટે નામંજુર કરતા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. પરંતુ અપ્રમાણસર મિલ્‍કત અને ડુપ્‍લીકેટ મિનિટ્‍સ બુક બનાવવાના કેસમાં સાગઠિયાને હજુ જેલમાં રહેવું પડશે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને  ગંભીરતાથી લઇ રાજ્‍ય સરકાર દ્વારા નિમવામાં આવેલી એસ.આઇ.ટી.ની તપાસમાં આ બનાવવાળી જગ્‍યાનું  ફાયર એનઓસી, બાંધકામ સહિતની અનેક બાબતોમાં મહાપાલિકા સહિતના તંત્રો દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્‍યું હતું. તેથી ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમળતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્‍સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થયા બાદ રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ સેશન્‍સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્‍યુલર જામીન મેળવવા અરજી કરી હતી. જે જામીન અરજી હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવતા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ જામીન મુક્‍ત થવા પોતાના વકીલ મારફત સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.

 જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ ચુકાદાઓ ધ્‍યાને લઇ સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે. પરંતુ અપ્રમાણસર મિલ્‍કત અને ડુપ્‍લીકેટ મિનિટ્‍સ બુક બનાવવાના કેસમાં સાગઠિયાને હજુ જેલમાં રહેવું પડશે. (રર.૧૨)

(3:07 PM IST)