<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

અતિ ભારે વરસાદને કારણે જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી તાર –ફેન્સિંગ ઠેર ઠેર તૂટી ગઈ: ઘૂસણખોરીનું જોખમ વધ્યું: અનેક સરહદી ચોકીઓને ભારે નુકસાન, પાણીમાં ડૂબેલી છે: સંખ્યાબંધ વિસ્તારો હજુ પણ જળબંબાકાર

બીએસએફએ કુદરતી આપત્તિ અને દુશ્મનના નાપાક ઇરાદાઓનો સામનો કરવા માટે સતત સઘન દેખરેખ રાખીને અને હોડીઓ દ્વારા પેટ્રોલિંગ શરૂ કર્યું: ચિનાબ નદીના પ્રકોપને કારણે અખનૂરના પરગવાલ ટાપુ પર સૌથી વધુ નુકસાન

વિગતવાર જોઈએ તો જમ્મુ સરહદ પર ભારે વરસાદ અને પૂરને કારણે અનેક સ્થળોએ તારની વાડને ભારે નુકસાન થયું છે, અનેક સરહદી ચોકીઓ હજી પણ પાણીમાં ડૂબેલી છે. આ સ્થિતિનો લાભ ઉઠાવીને પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનું જોખમ વધી ગયું છે. જોકે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ કુદરતી આપત્તિ અને દુશ્મનના નાપાક ઇરાદાઓનો સામનો કરવા માટે સતત સઘન દેખરેખ રાખીને અને હોડીઓ દ્વારા પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

 

 

વિગતવાર અહેવાલ જોઈએ તો જમ્મુના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અનેક સ્થળોએ તારની વાડને ભારે નુકસાન પહોંચ્યું છે. બીએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણી સરહદી ચોકીઓ હજુ પણ પાણીમાં ડૂબેલી હોવાથી થયેલા નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવું શક્ય નથી. જોકે, આંતરરાષ્ટ્રીય સરહદના મોટાભાગના વિસ્તારોમાં વાડ અને અગ્રિમ ચોકીઓને નુકસાન થયું છે. ખાસ કરીને, ચિનાબ નદીના પ્રકોપને કારણે અખનૂરના પરગવાલ ટાપુ પર સૌથી વધુ નુકસાન થયું છે.

 

બીએસએફની સતર્કતા: બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે પાણી ઓસર્યા બાદ જ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરી શકાશે, કારણ કે હાલમાં કેટલાક વિસ્તારોમાં પહોંચવું શક્ય નથી. આટલું નુકસાન હોવા છતાં, સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે બીએસએફ દ્વારા પેટ્રોલિંગ અને સઘન દેખરેખમાં કોઈ કમી રાખવામાં આવી નથી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાવડીઓનો ઉપયોગ કરીને અને દેખરેખ માટે કેમેરા લગાવીને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

 

 

પુનઃસ્થાપન કાર્ય: અધિકારીઓએ ઉમેર્યું કે પાણી ઓછું થયા બાદ અને નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ થયા પછી, જ્યાં પણ જરૂરી હશે ત્યાં નવી વાડ લગાવવા અથવા સમારકામનું કામ શરૂ કરવામાં આવશે. જ્યાં વાડનું સમારકામ શક્ય હશે ત્યાં તરત જ કામગીરી શરૂ કરાશે, જ્યારે નવી વાડ લગાવવાની જરૂરિયાતવાળા વિસ્તારોમાં કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરાશે.

 

 

પ્રભાવિત વિસ્તારો: જમ્મુ, સાંબા અને કઠુઆ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે અને આ ત્રણેય જિલ્લાઓ ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે. અખનૂર અને બસંતરના વિવિધ ભાગોમાંથી પસાર થતી ચિનાબ નદી અને તેની સહાયક નદીઓ ૨૬ ઓગસ્ટ અને તે પછીના દિવસોમાં ભયજનક સપાટીથી ઉપર વહી રહી હતી. આ ઉપરાંત, જમ્મુ, સાંબા અને કઠુઆમાં અનેક નાળા પણ ઉછાળા મારી રહ્યા હતા, જેના પરિણામે સરકારી ઇમારતો અને નાગરિક સંપત્તિની સાથે સાથે વાડ અને સરહદી ચોકીઓને પણ ભારે નુકસાન થયું છે.

 

 

ઉલ્લેખનીય છે કે, ચોમાસાના પ્રકોપ પહેલાં પણ હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને કઠુઆ જિલ્લાના કેટલાક અન્ય વિસ્તારો ઉપરાંત પંજાબના પઠાણકોટ જિલ્લામાંથી પણ ઘૂસણખોરીના પ્રયાસોના અહેવાલો મળતા રહ્યા છે. આ સંજોગોમાં બીએસએફની સતર્કતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

 

(11:40 AM IST)