<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

પંજાબના ૨૩ જિલ્લાના ૧૪૦૦થી વધુ ગામો પૂરથી પ્રભાવિતઃ રાજ્‍યને આપત્તિગ્રસ્‍ત જાહેર કરાયું

તમામ સ્‍કૂલો, કોલેજ, યુનિવર્સીટીઓ બંધ રાખવા આદેશઃ સ્‍થિતિ ગંભીર

ચંદીગઢ, તા.૩: દેશના અનેક રાજ્‍યોમાં ભારે વરસાદના પગલે જનજીવનને વ્‍યાપક અસર થઈ છે. જેમાં સૌથી વધુ અસર ગ્રસ્‍ત રાજ્‍ય પંજાબમાં ભારે વરસાદ અને પૂરના લીધે હાલત કફોડી બની છે. રાજ્‍યના ૨૩ જીલ્લામાં ૧૨૦૦ થી વધુ ગામો પૂરની ચપેટમાં છે. જેના પગલે રાજ્‍ય સરકારે રાજ્‍યને આપત્તિગ્રસ્‍ત જાહેર કર્યું છે. આ અંગે મુખ્‍ય સચિવ કેએપી સિન્‍હાએ આદેશ જાહેર કર્યો છે. તેમજ તમામ વિભાગોને એલર્ટ કર્યા છે. આપદા પ્રબંધન અધિનિયમ ૨૦૨૫ અંતર્ગત તમામ જીલ્લા ક્‍લેકટરોને રાહત કાર્યમાં તેજી લાવવા આદેશ આપ્‍યા છે.

રાજ્‍યના પૂરની ગંભીર સ્‍થિતિને જોતા રાજય સરકારે તમામ સ્‍કૂલો, કોલેજ, યુનિવર્સીટી અને પોલિટેકનીકોને ૭ સપ્‍ટેબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્‍યો છે. આ આદેશમાં કહેવામાં આવ્‍યું છે કે રાજ્‍ય અત્‍યારે ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે. ભારે વરસાદ અને બંધમાંથી છોડવામાં આવતા પાણીના લીધે અનેક જીલ્લામાં પૂરની સ્‍થિતિ છે. તેમજ હાલત વધુ બગડી રહી છે. તેમજ આગામી દિવસોમાં સ્‍થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

પંજાબમાં હાલમાં ૩.૭૫ એકર કળષિ ભૂમિ પાણીમાં ડૂબેલી છે. જેના લીધે પાક બરબાદ થયો છે. આ ઉપરાંત ભારે સંખ્‍યામાં પશુધનનું નુકસાન થયું છે. જેના લીધે ગ્રામીણ લોકોની આજીવિકાને પણ અસર થઈ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૬ વર્ષમાં પંજાબમાં પૂરની સ્‍થિતી સર્જાવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ ૨૦૨૩માં ૧,૫૦૦થી વધુ ગામો અસરગ્રસ્‍ત થયા હતા અને ૨ લાખ હેક્‍ટર જમીન પરની પાકને વ્‍યાપક નુકસાન થયું હતું. વર્ષ ૨૦૧૯માં પણ ૩૦૦થી વધુ ગામોને અસર થઈ હતી. આ વર્ષે પણ રાજ્‍યમાં સિઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. તેમજ હજુ પણ ભારે વરસાદની આગાહી છે

(3:44 PM IST)