<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

શાળાનું ભોજન ખાધા બાદ ૪૦૦ બાળકો બીમાર થયા

ઈન્ડોનેશિયામાં ફરી ફૂડ પોઈઝનિંગની મોટી ઘટનાઃબીમાર બાળકો, જેમની ઉંમર ૪ થી ૧૨ વર્ષની છે, તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

જાકર્તા, તા.૩

ઈન્ડોનેશિયાના પશ્ચિમ બેંગ્કુલુ પ્રાંતમાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆંતોના ફ્લેગશિપ ફૂડ પ્રોગ્રામ હેઠળ પીરસવામાં આવેલા મફત સ્કૂલ ભોજન ખાધા બાદ લગભગ ૪૦૦ બાળકો બીમાર પડ્યા છે.

બીમાર બાળકો, જેમની ઉંમર ૪ થી ૧૨ વર્ષની છે, તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બેંગ્કુલુ પ્રાંતના વાઈસ ગવર્નર મિઆને ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું છે કે, તાત્કાલિક ધોરણે તપાસ શરૃ કરવામાં આવી છે. અમે રસોડાની કામગીરી હાલ બંધ કરી દીધી છે. અમે તપાસ કરીશું કે ક્યાં ખામી રહી છે. આ મામલો રાષ્ટ્રીય પોષણ એજન્સી (BGN) અને અન્ય સત્તાવાળાઓની જવાબદારી હેઠળ છે. અગાઉ પણ, મધ્ય જાવામાં આવો ફૂડ પોઈઝનિંગનો કેસ સામે આવ્યો હતો જેમાં ૩૬૫ લોકો બીમાર પડ્યા હતા. તે સમયે સ્થાનિક મીડિયા અહેવાલોમાં નબળી સ્વચ્છતાને કારણભૂત ગણાવી હતી.

રાષ્ટ્રપતિ પ્રબોવો દ્વારા જાન્યુઆરીમાં શરૃ કરવામાં આવેલો આ કાર્યક્રમ કુપોષણ સામે લડવા અને ગર્ભવતી મહિલાઓ અને બાળકોને મદદ કરવાના ઉદ્દેશ્યથી શરૃ કરાયો હતો. આ કાર્યક્રમ હેઠળ ૨૦ કરોડથી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે અને વર્ષના અંત સુધીમાં ૮.૩ કરોડ લોકોને આવરી લેવાનું લક્ષ્ય છે, જેના માટે રૃ. ૧૭૧ ટ્રિલિયનનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જોકે, તેના ઝડપી વિસ્તરણને કારણે ગુણવત્તા અને સ્વચ્છતા સંબંધિત પડકારો ઉભા થયા છે.

બીજીતરફ ઈન્ડોનેશિયામાં આર્થિક સ્થિતિ અને કથિત ઓછાં સંસદીય ભથ્થાં મામલે સરકાર વિરોધી ભારે દેખાવો ચાલી રહ્યા છે, ત્યારે આવા સમયે રાષ્ટ્રપતિ પ્રબોવો ચીનની મુલાકાતે ગયા છે. વિરોધ પ્રદર્શનોમાં ૧૦ લોકોના મોત થયા છે અને ૫૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

(10:10 PM IST)