<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

દેશમાં ૫ વર્ષમાં ૩૭,૬૬૩ સરકારી સ્‍કૂલોને તાળા! પ્રાઈવેટ સ્‍કૂલો વધી

સરકારી સ્‍કૂલો બંધ, પ્રાઈવેટ સ્‍કૂલોની બોલબાલા...છેલ્‍લા પાંચ વર્ષમાં દેશભરમાં સ્‍કૂલોની સંખ્‍યા નોંધપાત્ર ઘટી છે ગુજરાતમાં છેલ્‍લાં આઠેક વર્ષમાં જ ૫૨૫ સરકારી સ્‍કૂલો બંધ થઈ ગઈ છે. ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્‍યા નહીવત હોવાના બહાને ૫૯૧૨ સરકારી સ્‍કૂલ બંધ કરવાની ફિરાકમાં

નવી દિલ્‍હી,તા.૦૪: યુનિફાઇડ ડિસ્‍ટ્રિક્‍ટ ઇન્‍ફોર્મેશન સિસ્‍ટમ ફોર એજ્‍યુકેશન (UDISE+)ના તાજા ચોંકાવનારા આંકડા સામે આવ્‍યા છે. યુનિવર્સિટી મિનિસ્‍ટ્રી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે જાહેર કરાયેલ UDISE+ ડેટા અનુસાર છેલ્‍લા પાંચ વર્ષમાં દેશભરમાં સ્‍કૂલોની સંખ્‍યા નોંધપાત્ર ઘટી છે. ૨૦૨૧માં કુલ ૧૫,૦૯,૧૩૬ સ્‍કૂલો હતી, જે હવે ઘટીને ૧૪,૭૧,૪૭૩ રહી ગઈ છે. એટલે કે ૩૭,૬૬૩ સ્‍કૂલ બંધ થઈ છે, જેમાંથી ૨૩,૦૦૦થી વધુ સરકારી તથા સરકારી સહાય મેળવતી સ્‍કૂલો છે. ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષમાં જ ૫,૩૦૩ સરકારી અને સરકારી સહાય મેળવી સ્‍કૂલો બંધ થઈ છે. ૨૦૨૩-૨૪માં સરકારી સ્‍કૂલોની સંખ્‍યા ૧૦.૧૮ લાખ હતી, જે હવે ઘટીને ૧૦.૧૩ લાખ થઈ ગઈ છે.

ગુજરાતમાં છેલ્‍લાં આઠેક વર્ષમાં જ ૫૨૫ સરકારી સ્‍કૂલો બંધ થઈ ગઈ છે. ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્‍યા નહીવત હોવાના બહાને ૫૯૧૨ સરકારી સ્‍કૂલ બંધ કરવાની ફિરાકમાં છે. જે દર્શાવે છે કે, રાજ્‍યમાં ગરીબ કે આર્થિક રીતે નબળા વર્ગ માટે બાળકોને શિક્ષણ આપવું કેટલું મોંઘું બની ગયું છે! સરકારી સ્‍કૂલો બંધ થઈ રહી છે, ત્‍યારે ખાનગી સ્‍કૂલોની સંખ્‍યા સતત વધી રહી છે. ૨૦૨૪-૨૫માં ૮,૪૭૫ નવી પ્રાઈવેટ સ્‍કૂલો શરૂ થઈ, તો ૨૦૨૩-૨૪માં આ આંકડો ૭,૬૭૮ હતો. દેશમાં પ્રાઈવેટ સ્‍કૂલોની કુલ સંખ્‍યા ૩.૩૯ લાખ થઈ ગઈ છે, જે ૨૦૨૩-૨૪માં ૩.૩૧ લાખ હતી.

બિહારમાં સરકારી સ્‍કૂલોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. ૨૦૨૪-૨૫માં અહીં ૧,૮૦૦ સ્‍કૂલો બંધ થઈ ગઈ.

બીજા નંબરે હિમાચલ પ્રદેશ છે, જ્‍યાં ૪૯૨ સરકારી સ્‍કૂલો બંધ થઈ ગઈ.  

એવી જ રીતે, કર્ણાટકમાં ૪૬૨ સરકારી સ્‍કૂલો બંધ થઈ ગઈ.

આ યાદીમાં અરુણાચલ પ્રદેશ (૨૮૯) ચોથા અને મહારાષ્ટ્ર (૨૭૩) પાંચમા સ્‍થાને છે.

ઉત્તર પ્રદેશ પ્રાઈવેટ સ્‍કૂલો શરૂ થવામાં દેશમાં પહેલા ક્રમે છે. અહીં ૭,૮૭૩ નવી પ્રાઈવેટ સ્‍કૂલો શરૂ થઈ.

બિહારમાં ૨,૧૦૭ નવી પ્રાઈવેટ સ્‍કૂલો શરૂ થઈ છે. આસામમાં ૭૫૫ નવી પ્રાઈવેટ સ્‍કૂલો ખોલાઈ છે. ઉત્તર પ્રદેશમાં સ્‍કૂલો મર્જ કરવાનો વિવાદ

ઉત્તર પ્રદેશ સરકારે ૨૦૨૫માં ૫૦થી ઓછા વિદ્યાર્થી ધરાવતી સ્‍કૂલોને નજીકની સ્‍કૂલોમાં મર્જ કરવાનો નિર્ણય કર્યો હતો, જે આશરે ૫,૦૦૦ સ્‍કૂલોને અસર કરતો હતો. જો કે, અલ્‍હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્‍ચે આ નિર્ણય પર હાલ પૂરતો સ્‍ટે મૂક્‍યો છે. રાજ્‍યમાં હાલ ૯,૫૦૦ જેટલી સ્‍કૂલ છે, જ્‍યાં ફક્‍ત એક જ શિક્ષક છે અને તેમાં આશરે ૬.૨૪ લાખ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે.

૨૦૨૪-૨૫માં વિદ્યાર્થીઓની કુલ નોંધણી ૨૪.૬૯ કરોડ રહી છે, જે ૨૦૨૩-૨૪માં ૨૪.૮૦ કરોડ અને ૨૦૨૨-૨૩માં ૨૫.૧૮ કરોડ હતી. આ સતત ત્રીજું વર્ષ છે જ્‍યારે કુલ નોંધણી ઘટી છે.

સરકારી સ્‍કૂલોમાં ૨૦૨૨-૨૩માં ૧૩.૬૨ કરોડ વિદ્યાર્થી નોંધાયેલા હતા, જે હવે ઘટીને ૧૨.૧૬ કરોડ રહી ગયા છે.

બીજી બાજુ, પ્રાઈવેટ સ્‍કૂલોની નોંધણી ૮.૪૨ કરોડથી વધીને ૯.૫૯ કરોડ થઈ ગઈ છે.

‘ડિજિટલ ઇન્‍ડિયા'ના જમાનામાં પણ દેશની ઘણી સ્‍કૂલોમાં ટેકનોલોજીનો અભાવ છે. કુલ ૧૪.૭૧ લાખ સ્‍કૂલોમાંથી ફક્‍ત ૯.૫૧ લાખ સ્‍કૂલોમાં જ કમ્‍પ્‍યુટર લેબની સુવિધા છે. મેઘાલય (૧૯.૭%), પヘમિ બંગાળ (૨૫.૧%), બિહાર (૨૫.૨%), મણિપુર (૩૮%) અને જમ્‍મુ-કાશ્‍મીર (૪૩.૧%) જેવા રાજ્‍યોમાં ડિજિટલ શિક્ષણનો દર સૌથી નીચો છે.

દેશની હજારો સ્‍કૂલો આજે પણ ગ્રંથાલય, શૌચાલય, પીવાના પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે.

૧.૫૪ લાખ સ્‍કૂલોમાં પુસ્‍તકાલય નથી. ૧૪.૨૧ લાખ સ્‍કૂલોમાંથી માત્ર ૧૩.૭૨ લાખમાં જ કન્‍યા શૌચાલય છે.

છોકરા માટે ૧૩.૯૦ લાખ સ્‍કૂલોમાં શૌચાલય છે, પરંતુ માત્ર ૧૩.૩૪ લાખમાં જ તે ચાલુ સ્‍થિતિમાં છે.

૧૪,૪૩૨ સ્‍કૂલોમાં પીવાના પાણીની સુવિધા નથી. ૨૫,૮૮૪ સ્‍કૂલો વીજળી વિના ચાલે છે. ૨,૪૮,૮૨૨ સ્‍કૂલોમાં રમતનું મેદાન નથી. ફક્‍ત ૧૨.૨૧ લાખ શાળાઓમાં જ મેદાન છે.

આ અહેવાલમાં એક સારી વાત એ જોવા મળી છે કે વિદ્યાર્થીઓ દ્વારા શાળાનો અભ્‍યાસ અધવચ્‍ચે છોડી દેવાનું પ્રમાણ ઘટ્‍યું છે.

પ્રાથમિક સ્‍તર (વર્ગ ૩-૫): ૩.૭%થી ઘટીને ૨.૩%

મધ્‍યમ સ્‍તર (વર્ગ ૬-૮): ૫.૨%થી ઘટીને ૩.૫%

માધ્‍યમિક સ્‍તર (વર્ગ ૯-૧૦): ૧૦.૯%થી ઘટીને ૮.૨%

દેશમાં શિક્ષકોની સંખ્‍યા ૨૦૨૩-૨૪માં ૯૮.૦૭ લાખ હતી તે વધીને ૨૦૨૪-૨૫માં ૧.૦૧ કરોડ થઈ છે. પુરુષ શિક્ષકોની સંખ્‍યા ૪૫.૭૭ લાખથી વધીને ૪૬.૪૦ લાખ થઈ છે, જ્‍યારે મહિલા શિક્ષકોની સંખ્‍યા ૫૨.૩૦ લાખથી વધીને ૫૪.૮૧ લાખ થઈ છે. આ વૃદ્ધિથી વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (PTR  પ્‍યુપિલ ટીચર રેશિયો) સુધર્યો છે.

પ્રાથમિક સ્‍તરેઃ ૨૦૨૨-૨૩માં PTR ૧૧ થી ઘટીને ૨૦૨૪-૨૫માં ૧૦ થયો

મધ્‍યમ સ્‍તરેઃ PTR ૧૮થી ઘટીને ૧૭ થયો

માધ્‍યમિક સ્‍તરેઃ PTR ૨૧ પર સ્‍થિર રહ્યો.

(9:51 AM IST)