<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

કિમ જોંગે ડ્રિન્‍ક કર્યું તે ગ્‍લાસ પણ સાથે લઈ ગયા, પુતિન સાથે બેઠક બાદ તમામ જગ્‍યાઓ પરથી હટાવાયા નિશાન

બીજીંગ તા.૪: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ વિમાનમાં નહીં માત્ર ટ્રેનમાં જ મુસાફરી કરતા હોવાની વાત જગજાણીતી છે. તેઓ તાજેતરમાં જ ટ્રેન મારફતે ચીન પહોંચ્‍યા હતા અને અહીં સૈન્‍ય પરેડમાં ભાગ લીધો હતો. ત્‍યારબાદ તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન સાથે પણ બેઠક યોજાઈ હતી, જોકે આ બેઠક બાદ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્‍યો છે. આ વીડિયો રાજદ્વારી પ્રોટોકોલ કરતાં ક્રાઇમ સીરીયલ જેવો વધુ લાગી રહ્યો છે, જેમાં કિમના કર્મચારીઓ તે દરેક વસ્‍તુની સફાઈ કરતા જોવા મળે છે, જેને કિમ જોંગ ઉને બેઠક દરમિયાન સ્‍પર્શ કર્યો હતો

ટેલિગ્રામ પરના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બેઠક પૂરી થયા બાદ કિમના બે કર્મચારીઓ ઝડપથી કામ કરતા જોવા મળે છે. એક કર્મચારી કિમની ખુરશીને ધ્‍યાનપૂર્વક સાફ કરે છે, જ્‍યારે બીજી કર્મચારી ફોરેન્‍સિક એક્‍સપર્ટની જેમ કિમનો ગ્‍લાસ સાવધાનીપૂર્વક ટ્રેમાં મૂકીને સાથે લઈ જાય છે. ખુરશીના હેન્‍ડલથી લઈને સાઈડ ટેબલ સુધી, દરેક વસ્‍તુને ત્‍યાં સુધી લૂછવામાં આવી. આ દરમિયાન ઉત્તર કોરિયાના નેતાની હાજરીનું એક પણ નિશાન છોડવામાં આવ્‍યું ન હતું. રશિયન પત્રકાર એલેક્‍ઝાન્‍ડર યુનાશેવે જણાવ્‍યું કે, કિમના કર્મચારીઓ કીમ જે ગ્‍લાસમાં પીણું પીધું હતું, તે પણ સાથે લઈ ગયા.(૩૮.૪)

(9:59 AM IST)