<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

દિવાળી પર વિમાન ભાડા આસમાને! ટિકિટના ભાવ ૫૦% સુધી વધ્‍યા

ફ્‌લાઇટસમાં ઘટાડો અને વધતી માંગને કારણે મુસાફરોના ખિસ્‍સા પર બોજ પડયો

નવી દિલહી, તા.૪: આ વર્ષે ઘરે દિવાળી ઉજવવા માંગતા લોકોને વિમાન ભાડા મોટો આંચકો આપી રહ્યા છે. દિવાળીના અઠવાડિયા દરમિયાન મુસાફરી માટે દેશભરના મુખ્‍ય રૂટ પર સરેરાશ ઇકોનોમી એરફેર ગયા વર્ષની સરખામણીમાં ૫૨ ટકા વધ્‍યો છે. તેનું કારણ નબળા રૂપિયાને કારણે ખર્ચમાં વધારો અને વિમાનના અભાવે નેટવર્ક ક્ષમતામાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે.

ixigo ના ડેટા અનુસાર, દિવાળીના અઠવાડિયા દરમિયાન એટલે કે ૧૯ થી ૨૫ ઓક્‍ટોબર દરમિયાન મુસાફરી માટે મુંબઈ-પટણા રૂટ પર સરેરાશ ઇકોનોમી ક્‍લાસ એરફેર ૧૪,૫૪૦ રૂપિયા હતો, જ્‍યારે ગયા વર્ષે દિવાળીના અઠવાડિયા (૩૦ ઓક્‍ટોબરથી ૫ નવેમ્‍બર) દરમિયાન તે ૯,૫૮૪ રૂપિયા નોંધાયું હતું. ભાડામાં આ વધારો ૫૨ ટકા છે. એ જ રીતે, આ વર્ષે બેંગલુરુ-લખનૌ રૂટ પર સરેરાશ ભાડું ૯,૮૯૯ રૂપિયા હતું, જ્‍યારે ગયા વર્ષે ૬,૭૨૦ રૂપિયા હતું, જે ૪૭ ટકાનો વધારો દર્શાવે છે. આ ભાડા સ્‍તર ૫૦-૬૦ દિવસ અગાઉ ખરીદેલી ટિકિટ માટે છે.

આ વર્ષે દિવાળી ૨૦ ઓક્‍ટોબરે છે, જ્‍યારે ગયા વર્ષે ૩૧ ઓક્‍ટોબરે હતી. ixigo ના ગ્રુપ સીઈઓ આલોક બાજપાઈએ જણાવ્‍યું હતું કે, આ તહેવારોની મોસમમાં મુસાફરોની સંખ્‍યામાં વધારાને કારણે, મુખ્‍ય મહાનગરો માટે એડવાન્‍સ ફ્‌લાઇટ ભાડા ગયા વર્ષ કરતા સરેરાશ ૨૦-૨૫ ટકા વધુ છે. મુસાફરો તહેવારો માટે ઘરે જવા માટે સમયસર બુકિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓક્‍ટોબર માટે એડવાન્‍સ ફ્‌લાઇટ બુકિંગ પહેલાથી જ ગયા વર્ષના સ્‍તરને વટાવી ગયું છે, કારણ કે દિલ્‍હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈમાં વાર્ષિક ધોરણે ૧૦૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે.

આ દિવાળીમાં ફ્‌લાઇટ્‍સની સંખ્‍યા ગયા વર્ષ કરતા ઓછી હોઈ શકે છે. એવિએશન એનાલિસિસ ફર્મ સિરિયમના જણાવ્‍યા અનુસાર, ભારતીય એરલાઇન્‍સ આ વર્ષે ઓક્‍ટોબરમાં દર અઠવાડિયે ૨૨,૭૦૯ ડોમેસ્‍ટિક ફ્‌લાઇટ્‍સનું સંચાલન કરશે, જે એક વર્ષ પહેલા ૨૩,૪૩૭ હતી. આ ફ્‌લાઇટ ઓપરેશન્‍સમાં ૩.૧ ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્‍યારે ગયા વર્ષે ઓક્‍ટોબરમાં ફ્‌લાઇટ્‍સમાં ૧૩.૫ ટકાનો વધારો થયો હતો.

સેવાઓમાં ઘટાડો કરનાર એર ઇન્‍ડિયા ૨૬ બોઇંગ ૭૮૭-૮, ૧૩ બોઇંગ ૭૭૭-૩૦૦ER અને ૨૭ એરબસ A320neo ને આવરી લેતા US$૪૦૦ મિલિયનના રેટ્રોફિટિંગ પ્રોગ્રામમાંથી પસાર થઈ રહી છે. આને કારણે, આ એરલાઇનની ક્ષમતામાં ભારે અવરોધ આવ્‍યો છે અને તેને કેટલાક રૂટ પર ઘટાડો કરવાની ફરજ પડી છે. સિરિયમના જણાવ્‍યા અનુસાર, દેશની સૌથી મોટી એરલાઇન ઇન્‍ડિગો આ વર્ષે ઓક્‍ટોબરમાં દર અઠવાડિયે ૧૩,૬૨૮ ડોમેસ્‍ટિક ફ્‌લાઇટ્‍સનું સંચાલન કરશે. તેની ફ્‌લાઇટ ક્ષમતા ગયા વર્ષના ઓક્‍ટોબર કરતા માત્ર ૧.૪ ટકા વધુ છે.

(10:34 AM IST)