હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાએ લોકપ્રિય EB-2 વિઝા સ્થગિત કર્યા: હજારો અરજદારો મુશ્કેલીમાં, આગામી નાણાકીય વર્ષની રાહ જોવી પડશે
EB-2 વિઝા એવા વ્યાવસાયિકો માટે છે જેમની પાસે ઉચ્ચ ડિગ્રી (જેમ કે માસ્ટર્સ અથવા પીએચડી) હોય, અથવા જેઓ તેમના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા ધરાવતા હોય

4 સપ્ટેમ્બર 2025: જે લોકો ઉચ્ચ શિક્ષણ અને વિશેષ કુશળતાના આધારે અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે એક મોટા સમાચાર આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અને યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 2025 માટે રોજગાર-આધારિત સેકન્ડ પ્રેફરન્સ (EB-2) શ્રેણીમાં ઉપલબ્ધ તમામ ઈમિગ્રન્ટ વિઝા જારી કરી દેવામાં આવ્યા છે. પરિણામે, દુનિયાભરમાંથી આ વિઝા માટે અરજી કરનાર હજારો અરજદારોએ હવે વિઝા પ્રક્રિયામાં વિરામનો સામનો કરવો પડશે.
EB-2 વિઝા શું છે અને શા માટે તેની માંગ વધુ છે?
EB-2 વિઝા એવા વ્યાવસાયિકો માટે છે જેમની પાસે ઉચ્ચ ડિગ્રી (જેમ કે માસ્ટર્સ અથવા પીએચડી) હોય, અથવા જેઓ તેમના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા ધરાવતા હોય. આ કેટેગરીમાં, વિજ્ઞાન, કલા અથવા વ્યવસાયમાં કુશળ લોકો અરજી કરી શકે છે. આ વિઝા સામાન્ય રીતે યુએસમાં નોકરીની ઓફર અને લેબર સર્ટિફિકેશનની જરૂરિયાત પૂરી કરતા હોય છે. આ વિઝાની વાર્ષિક મર્યાદા આખા વિશ્વમાં ઈમિગ્રન્ટ વિઝાની કુલ સંખ્યાના 28.6% સુધી મર્યાદિત છે.
આગળ શું થશે?
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે સ્પષ્ટતા કરી છે કે આ એક નિયમિત પ્રક્રિયા છે અને જ્યારે વાર્ષિક ક્વોટા પૂરો થઈ જાય ત્યારે આવું થાય છે. યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટ હવે આ કેટેગરીમાં નવા વિઝા જારી કરવાનું બંધ કરી દેશે. આ વિઝા પ્રક્રિયા હવે ફરીથી 1 ઓક્ટોબર, 2025થી શરૂ થશે, જ્યારે નવું નાણાકીય વર્ષ શરૂ થશે અને વાર્ષિક વિઝા ક્વોટા ફરીથી સેટ થશે. જે અરજદારોની અરજીઓ પહેલેથી મંજૂર થઈ ગઈ છે, તેમને નવા નાણાકીય વર્ષમાં વિઝા જારી કરવામાં આવશે.
અત્યારે, અરજદારોએ રાહ જોવી પડશે અને ઓક્ટોબરમાં વિઝા પ્રક્રિયા ફરી શરૂ થવાની આશા રાખવી પડશે. આ નિર્ણય ઘણા ભારતીય વ્યાવસાયિકોને પણ અસર કરી શકે છે જેઓ EB-2 વિઝા માટે અરજી કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
