હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટનો સણસણતો સવાલ: પોલીસ સ્ટેશનના CCTV ક્યાં ગયા? કસ્ટડીયલ મૃત્યુના મુદ્દે આપમેળે કાર્યવાહી શરૂ
કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો કે તેના આદેશોની અવગણના ચલાવી લેવામાં આવશે નહીં: પોલીસ કસ્ટડીમાં થતા અત્યાચારોને અટકાવવા સાબિત થઈ શકે છે મહત્વપૂર્ણ સીમાચિહ્ન

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2025: દેશના પોલીસ સ્ટેશનોમાં કસ્ટડીયલ ટોર્ચર અને મૃત્યુના વધતા જતા કેસોએ ફરી એકવાર સુપ્રીમ કોર્ટને હચમચાવી દીધી છે. પાંચ વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનો અને કેન્દ્રીય એજન્સીઓની ઓફિસમાં CCTV કેમેરા ફરજિયાતપણે લગાવવાનો આદેશ આપ્યા પછી પણ આ ઘટનાઓ અટકતી નથી, તેથી સુપ્રીમ કોર્ટે હવે જાતે જ આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે તાજેતરમાં એક અખબારના અહેવાલ પર સ્વતઃ સંજ્ઞાન (suo motu cognisance) લીધું હતું, જેમાં જણાવાયું હતું કે છેલ્લા સાતથી આઠ મહિનામાં જ 11 લોકોના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા છે. આ ઘટનાઓ સીધા જ કોર્ટના 2020ના ઐતિહાસિક ચુકાદાનું ઉલ્લંઘન કરે છે.
2020ના ચુકાદામાં શું આદેશ અપાયો હતો?
2020માં, જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાન (નિવૃત્ત)ની અધ્યક્ષતાવાળી બેન્ચે પરમવીર સિંહ સૈની વિરુદ્ધ બલજીત સિંહ કેસમાં કસ્ટડીયલ ટોર્ચરને રોકવા માટે એક કડક આદેશ જારી કર્યો હતો. આ આદેશ મુજબ:
• CCTV ફરજિયાત: પોલીસ સ્ટેશનની સાથે સાથે NIA, CBI, ED, NCB, DRI, SFIO જેવી તમામ કેન્દ્રીય એજન્સીઓની કચેરીઓમાં પણ જ્યાં આરોપીઓની પૂછપરછ થાય છે ત્યાં CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે.
• મૂળભૂત અધિકારનું રક્ષણ: કોર્ટે કહ્યું હતું કે આ કેમેરા આરોપીઓના ગૌરવ અને જીવનના મૂળભૂત અધિકારના રક્ષક તરીકે કામ કરશે.
• જાહેરાત ફરજિયાત: પોલીસ સ્ટેશનો અને એજન્સીઓની કચેરીઓની બહાર મોટા પોસ્ટર લગાવવા પડશે, જેમાં સ્પષ્ટપણે જણાવવું પડશે કે આ વિસ્તાર CCTVની દેખરેખ હેઠળ છે અને માનવાધિકાર ઉલ્લંઘન અંગે ફરિયાદ કરવાનો નાગરિકોને અધિકાર છે.
• ફૂટેજનું જતન: CCTV ફૂટેજને ઓછામાં ઓછા છ મહિના સુધી સાચવી રાખવાનો આદેશ હતો, જેથી જો કોઈ માનવાધિકાર ઉલ્લંઘનનો ભોગ બને તો તેને આ ફૂટેજ મેળવવાનો અધિકાર મળે.
નવો કોરડો વીંઝાયો
આ તમામ આદેશોનું પાલન ન થતા હવે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કાર્યવાહીનો કોરડો વીંઝ્યો છે. કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેના આદેશોની અવગણના ચલાવી લેવામાં આવશે નહીં. આ પગલું પોલીસ કસ્ટડીમાં થતા અત્યાચારોને અટકાવવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
