News of Friday, 5th September 2025
ટ્રમ્પ અને મોદી વચ્ચે જે નજીકના સંબંધો હતા તે હવે તૂટી ચૂક્યા છે
અમેરિકાના પૂર્વ NSAનો મોટો દાવો, કોઈ પણ વિદેશી નેતા સાથે ટ્રમ્પની વ્યક્તિગત દોસ્તી લાંબા સમય સુધી સુરક્ષા કવચ સાબિત થઈ શકતી નથી

વોશિંગ્ટન,તા.૫: અમેરિકા અને ભારતના સંબંધોને લઈને પૂર્વ અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનું નિવેદન ચર્ચામાં છે. બોલ્ટને કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે જે નજીકના સંબંધો હતા, તે હવે તૂટી ચૂક્યા છે. બોલ્ટને ચેતવણી આપી કે કોઈ પણ વિદેશી નેતા સાથે ટ્રમ્પની વ્યક્તિગત દોસ્તી લાંબા સમય સુધી સુરક્ષા કવચ સાબિત થઈ શકતી નથી. ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય સંબંધોને હંમેશા પોતાના વ્યક્તિગત સમીકરણના ચશ્માથી જોતા હોય છે. જો તેમની પુતિન સાથે દોસ્તી છે તો તેમને લાગે છે કે અમેરિકા અને રશિયાના સંબંધો પણ સારા છે, જ્યારે હકીકત અલગ હોય છે.
ટ્રમ્પની પહેલી સરકારમાં ફલ્ખ્ રહેલા બોલ્ટન હાલમાં ટ્રમ્પને ખૂબ સંભળાવી રહ્યા છે. બ્રિટિશ મીડિયા પોર્ટલ LBCને આપેલા ઇન્ટરવ્યૂમાં બોલ્ટને કહ્યું કે ટ્રમ્પને મોદી સાથે વ્યક્તિગત સંબંધ ખૂબ જ સારો હતો, પણ હવે તે ખતમ થઈ ચૂક્યો છે. આ બાકીના નેતાઓ, જેમ કે બ્રિટનના પ્રધાનમંત્રી કીયર સ્ટારમર માટે પણ સબક છે કે વ્યક્તિગત સંબંધો ક્યારેક-ક્યારેક કામમાં આવે, પણ તે આપને મુશ્કેલી પરિસ્થિતિમાંથી બચાવી શકતા નથી.
બોલ્ટને માન્યું કે, હાલ અમેરિકા-ભારતના સંબંધો છેલ્લા બે દાયકાના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસનની ટેરિફ પોલિસી અને નવી દિલ્હીની સતત ટીકાઓએ હાલત વધારે બગાડી છે. તેમણે કહ્યું કે, વ્હાઈટ હાઉસની નીતિઓએ ભારત-અમેરિકાના સંબંધોને દાયકાઓ પાછળ ધકેલી દીધા છે અને તેનાથી મોદીને રશિયા અને ચીન તરફ વળવા માટે મજબૂર થવું પડ્યું છે. સોશિયલ મીડિયા પર આપેલા એક નિવેદનમાં બોલ્ટને લખ્યું કે બેઇજિંગે ખુદને અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પના વિકલ્પ તરીકે રજૂ કર્યું છે.
બોલ્ટને કહ્યું કે અમેરિકામાં ડેમોક્રેટ અને રિપબ્લિકન, બંને પાર્ટીઓની સરકારની સતત એ કોશિશો રહેતી કે ભારત પોતાના કોલ્ડ વોરવાળા દોસ્ત રશિયા પર ડિપેન્ડન્સી ખતમ કરે અને ચીનને પોતાની સૌથી મોટી સુરક્ષા ચેલેન્જ તરીકે જુએ. પણ ટ્રમ્પે આ સંતુલનની ઉલટું કરી નાખ્યું. ભારત તરફથી અમેરિકાથી અંતર અને રશિયા-ચીનની નજીક જવું ટ્રમ્પની ભૂલનું પરિણામ છે. તેને સુધારી શકાય છે, પણ આ ખૂબ જ ખરાબ સ્થિતિ છે.(૪૦.૫)
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
