<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

૨૫ વર્ષ જેલમાં રહ્યા બાદ ૫૪ વર્ષની ઉંમરે કોર્ટની પરમિશન લઈ લગ્ન કર્યા

નીતિશ કટારા હત્‍યાકાંડમાં ૨૫ વર્ષની સજા કાપી રહેલા ૫૪ વર્ષના વિકાસ યાદવે શુક્રવારે લગ્ન કર્યા

ગાજિયાબાદ તા.૬: નીતિશ કટારા હત્‍યાકાંડમાં ૨૫ વર્ષની સજા કાપી રહેલા ૫૪ વર્ષના વિકાસ યાદવે શુક્રવારે લગ્ન કર્યા હતા. તેની દુલ્‍હન બનેલી ૨૨ વર્ષની હર્ષિકા યાદવ, જે એમસીએનો અભ્‍યાસ કરી રહી છે અને મૂળ ફિરોઝાબાદની રહેવાસી છે. બંનેના લગ્ન ગાજિયાબાદના રાજનગર વિસ્‍તારમાં આવેલા વિકાસના પિતા અને પૂર્વ મંત્રી ડીપી યાદવના ઘરે થયા હતા. લગ્ન આર્ય સમાજ પદ્ધતિથી સંપન્ન થયા. જેમાં પરિવાર અને અમુક નજીકના દોસ્‍તો હાજર રહ્યા હતા.

પરિવારના એક સભ્‍યએ જણાવ્‍યું કે, વિકાસની માતા લાંબા સમયથી બીમાર છે, તેમની દેખરેખ માટે જ વિકાસે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ વર્ષે જુલાઈમાં બંનેની સગાઈ થઈ ચૂકી હતી. પહેલા આ લગ્ન કાસગંજમાં થવાના હતા, પણ બાદમાં પરિવારે નક્કી કર્યું કે સમારંભ ઘરે જ રાખવામાં આવે.

વિકાસ યાદવ અને તેના પિતરાઈ ભાઈ વિશાલ યાદવને વર્ષ ૨૦૦૨માં થયેલા ચર્ચિત નીતિશ કટારા હત્‍યાકાંડમાં દોષિત ઠેરવવામાં આવ્‍યા હતા. બંનેને ૨૫-૨૫ વર્ષની સજા સંભળાવી હતી. વિકાસ અત્‍યાર સુધીમાં ૨૩ વર્ષથી વધારે સમયની જેલની સજા વિતાવી ચૂક્‍યો છે અને હાલમાં પેરોલ પર છે.

લગ્ન પહેલા વિકાસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે પોતાની અપીલમાં કહ્યું હતું કે તેની ઉંમર ૫૪ વર્ષની થઈ ચૂકી છે અને જો હજુ પણ લગ્ન નહીં કરે તો જિંદગી નીકળી જશે. વિકાસે કોર્ટને કહ્યું હતું કે આ તેનો છેલ્‍લો મોકો છે. એટલા માટે તેને લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવે. કોર્ટમાંથી રાહત મળ્‍યા બાદ તે પેરોલ પર બહાર આવી લગ્ન કરી શક્‍યો.(૩૮.૪)

(10:05 AM IST)