<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

જીએસટી રીફંડ અને નવો નંબર હવે ઝડપથી મળી જાય તેવી વ્‍યવસ્‍થા કરાશે

સપ્તાહમાં જ વેપારીને રીફંડ મળી જાય તેવી કાર્યવાહી કરવા તજવીજ : અરજી કર્યાના ત્રણ દિવસમાં નવો નંબર આપવામાં આવે તેવી ગોઠવણ કરાશે

 

મુંબઈ,તા.૦૬: જીએસટીના દરમાં તો સુધારો કરવામાં આવ્‍યો જ છે. સાથે સાથે નવો વેપાર કરનારને જીએસટી નંબર મેળવવામાં ભારે તકલીફ અનુભવાતી હતી તેમાંથી પણ રાહત આપવાનો નિર્ણય જીએસટી કાઉન્‍સીલની બેઠકમાં કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત વેપારીઓ દ્વારા જીએસટી રીટર્ન ભરી દેવામાં આવ્‍યા બાદ રીફંડ માટે પણ પરેશાની વેઠવી પડતી હતી. તેમાં પણ રાહત આપતો નિર્ણય કરીને ૧૫ દિવસની અંદર જ વેપારીને રીફંડ મળી જાય તેવી ગોઠવણ કરવામાં આવનાર છે.

જીએસટીમાં નવો નંબર મેળવવા માટેની અરજી કરવામાં આવ્‍યા બાદ ટુ વે ઓથેન્‍ટીફીકેશન ફરજીયાત કરવામાં આવે છે. જેથી અરજી કરનારના પાન કાર્ડ, આધારકાર્ડ સાથે જે મોબાઇલ નંબર લીંક હોય તેના પર ઓટીપી આવે તે આપવો પડતો હોય છે. ત્‍યાર બાદ અધિકારી દ્વારા સ્‍થળ વેરીફીકેશનની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ તમામ કાર્યવાહી પુરી કરતા એક મહિનાનો સમય વિતી જતો હોય છે. તેના કારણે વેપારીને એક મહિના પછી નવો નંબર મળતો હોય છે. જ્‍યારે નવી સિસ્‍ટમ પ્રમાણે વેપારી અરજી કરે અને જીએસટી દ્વારા નક્કી કરેલા નિયમો પ્રમાણે યોગ્‍ય હોય તો ત્રણ જ દિવસમાં નવો નંબર ફાળવી દેવામાં આવશે. જ્‍યારે જે વિસ્‍તાર રીસ્‍ક તરીકે ઓળખતા હોય તે વિસ્‍તારમાંથી નવો નંબર મેળવવા માટે અરજી કરવામાં આવે તો તેઓને આ લાભ મળશે નહીં. જીએસટી દ્વારા જે વિસ્‍તારમાં બોગસ બિલીંગના સૌથી વધુ કેસ મળી આવતા હોય તેને રીસ્‍ક વિસ્‍તાર તરીકે ઓળખવામાં આવે છે.

તેવી જ રીતે વેપારી દ્વારા રીફંડ મેળવવા માટે અરજી કરવામાં આવે તો તેની તમામ કાર્યવાહી ૬૦ દિવસમાં પુરી કરી દેવાની હોય છે. તેના લીધે વેપારીઓને રીફંડ મોડું મળતું હોવાની વ્‍યાપક ફરીયાદ ઉઠી હતી. તેમાં પણ વેપારીના પાછલા ત્રણેક વર્ષના આંકડાને ધ્‍યાને રાખીને ૧૫ જ દિવસમાં રીફંડ આપી દેવામાં આવે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે. તેના કારણે પ્રામાણિકતાથી વેપાર કરનારાઓને સૌથી વધુ ફાયદો થવાનો છે.(૪૦.૧૧)

(10:08 AM IST)