<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

ભારે કરીઃ પતિએ સમોસા ન ખવડાવ્‍યા તો પિયરના લોકોને બોલાવી માર ખવડાવ્‍યો

ઝઘડાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ

પીલીભીત,તા.૦૬: ઉત્તર પ્રદેશમાં આ મામૂલી કારણે પતિ-પત્‍નીના સંબંધોમાં ખટાશ આવી ગઈ. મામલો એટલો વધી ગયો કે પત્‍નીએ પોતાના પિયરવાળાને બોલાવી પતિને ધોઈ નાખ્‍યો, સાથે જ પતિના પરિવારના લોકો સાથે પણ મારપીટ કરી. આ ઝઘડાનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. તેની પાછળનું કારણ હતું સમોસા.

પીલીભીતના ભગવંતાપુર ગામમાં રહેતા શિવમના લગ્ન મેમાં સંગીતા સાથે થયા હતા. બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું, પણ એક દિવસ સાંજે પત્‍નીએ પતિને ગરમાગરમ સમોસા ખાવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી. શિવમે પૈસા ન હોવાની વાત કરી અને સમોસા લાવ્‍યો નહીં. આ નાની એવી વાતને લઈને બંને વચ્‍ચે ઝઘડો થઈ ગયો. ત્‍યાર બાદ પત્‍નીએ ગુસ્‍સામાં આવી પિયરપક્ષના લોકોને બોલાવી અને પછી જમાઈ તથા પરિવારના લોકો સાથે બેલ્‍ટ અને ગડદાપાટું વડે મારપીટ શરૂ કરી દીધી. મામલો એટલો વધી ગયો કે લોકોએ પંચાયત બોલાવી, ત્‍યાં પણ મામલો શાંત થયો નહીં. પંચાયતમાં પણ બંને પક્ષ ફરી એક વાર લડવા લાગ્‍યા અને કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.

આ ઝઘડાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં બંને પરિવારને એકબીજા પર હુમલો કરતા જોઈ શકાય છે. ગામડામાં આ વીડિયો ચર્ચાનો સૌથી મોટો મુદ્દો બન્‍યો છે. લોકો આ સમોસા વોર પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.(૪૦.૭)

(10:10 AM IST)