News of Saturday, 6th September 2025
વિન્ટેજ રોલ્સ રોયસના વિવાદથી રાજવી દંપતીનાં લગ્ન તૂટયાં
પંડિત નેહરુએ બરોડાના તત્કાલીન મહારાણી માટે ઓર્ડર કરેલી કાર વિવાદનું કારણ બની

નવી દિલ્હી,તા.૦૬: બરોડાના તત્કાલિન મહારાણી માટે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ઓર્ડર કરેલી ૧૯૫૧ના મોડેલની વિન્ટેજ રોલ્સ રોયસ કારને લઈને વિવાદ ઊભો થયા પછી સુપ્રીમ કોર્ટે એક રાજવી દંપતીના લગ્નનો ભંગ કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે પક્ષકારો વચ્ચે થયેલા સમાધાનને રેકોર્ડ પર લઇને આ અનોખા વૈવાહિક વિવાદ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. સમાધાન મુજબ પુરુષ મહિલાને રૂ.૨.૨૫ કરોડ ચૂકવશે, જેના આધારે તેમની વચ્ચેના તમામ દાવાઓનો નિકાલ કરાશે. ૨૯ ઓગસ્ટે આપેલા ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે અમે અરજદાર અને પ્રતિવાદી-૧ (પતિ) વચ્ચેના લગ્નનો ભંગ કરીએ છીએ. તેમની વચ્ચે હવે વૈવાહિક કે બીજો કોઇ સંબંધ રહેશે નહીં. સર્વોચ્ચ અદાલતે પક્ષકારોને સોશિયલ મીડિયા સહિત કોઈપણ માધ્યમમાં એકબીજાને બદનામ ન કરવાની પણ ચેતવણી આપી હતી.
ગ્વાલિયરમાં રહેતી આ મહિલાએ દાવો કર્યો હતો કે તે એક ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવારની છે. તેના પૂર્વજ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં એડમિરલ હતાં અને કોંકણ પ્રદેશના શાસક જાહેર થયા હતાં. બીજી તરફ પતિ આર્મી ઓફિસરના પરિવારનો છે અને મધ્યપ્રદેશમાં એક શૈક્ષણિક સંસ્થા ચલાવે છે. ૧૯૫૧ના મોડેલની એન્ટિક હેન્ડ-મેઇડ ક્લાસિક રોલ્સ રોયસ કાર તેમના વિવાદનું મૂળ બની હતી.
હાલમાં રૂ.૨.૫ કરોડનું મૂલ્ય ધરાવતી આ સિંગલ મોડલ કાર બરોડાના ભૂતપૂર્વ મહારાણી ચિમના બાઈ સાહેબ ગાયકવાડ માટે પંડિત નહેરુએ ઓર્ડર કરી હતી. મહિલાએ દાવો કર્યો હતો કે તેના પતિ અને તેના પરિવારે રોલ્સ રોયસ કાર અને મુંબઈમાં ફલેટની દહેજની માંગણી સાથે તેને સતત હેરાન કરી હતી. જોકે પુરુષે આ આરોપને નકારી કાઢ્યા હતા. મહિલાએ દાવો કર્યો હતો કે કાર અને ફલેટની માગણી સંતોષવામાં ન આવતા પુરુષ અને તેના પરિવારે તેના પર ખોટા આરોપો કરીને ચરિત્રહનન કર્યું હતું અને લગ્નનો જ ઇનકાર કર્યો હતો. અગાઉ મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચે મહિલાએ પતિ સામે કરેલા દહેજ અને ક્રૂરતાના કેસને રદ કર્યા હતો, તેથી તે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.(૪૦.૪)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
