<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

ગ્લેશિયર પીગળતાં અરુણાચલ પ્રદેશમાં ભયાનક પૂરની આશંકા

ઉ.ભારતના આ રાજ્યો સામે સંકટ!ઃરિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે પૂર્વ હિમાલયના કેટલાક ગ્લેશિયર દર વર્ષે ૧.૫ મીટરની ઝડપે પીગળી રહ્યા છે

ઈટાનગર, તા.૬

અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયરના ઝડપી પીગળવાને કારણે રાજ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે.

ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, જે ભવિષ્યમાં તળાવ ફાટવા અથવા પૂર જેવી પરિસ્થિતિ સર્જી શકે છે અને મોટા પાયે વિનાશ નોતરી શકે છે. સેન્ટર ફોર અર્થ સાયન્સ એન્ડ હિમાલય સ્ટડીઝ (CES&HS) દ્વારા તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે પૂર્વ હિમાલયના કેટલાક ગ્લેશિયર દર વર્ષે ૧.૫ મીટરની ઝડપે પીગળી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી, સેન્ટર ફોર અર્થ સાયન્સ એન્ડ હિમાલય સ્ટડીઝ તવાંગના ગોરીચેન પર્વત પરના ખાંગરી ગ્લેશિયર પર નજર રાખી રહ્યું છે. એક સેટેલાઇટ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ૨૦૧૬થી ૨૦૨૫ દરમિયાન આ વિસ્તારના તળાવોનું કદ ઝડપથી વધ્યું છે. આ તળાવો ફાટવાથી અરુણાચલના ઘણા વિસ્તારોમાં અચાનક પૂરનું જોખમ વધી ગયું છે.

૩ ઑક્ટોબર ૨૦૨૩ના રોજ દક્ષિણ લ્હોનાક તળાવમાં ગ્લેશિયરનો મોટો હિસ્સો પડ્યો હતો, જેના કારણે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ આવ્યું હતું. તેની અસર ૩૮૫ કિલોમીટર સુધી તિસ્તા નદીથી થઈને બાંગ્લાદેશ સુધી થઈ હતી. આ આફતમાં સિક્કિમમાં ૫૫ લોકોના મૃત્યુ થયા હતા અને ૭૪ લોકો લાપતા થયા હતા.

ગોરીચેન પર્વત વિસ્તારમાં આવેલું રાણી તળાવ ગ્લેશિયર પીગળવાની સૌથી વધુ અસર હેઠળ છે. જો આ તળાવ ફાટે તો અરુણાચલ સહિત સિક્કિમમાં ફરીથી ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

સેન્ટ્રલ વોટર કમિશનના રિપોર્ટ અનુસાર, દેશમાં ૪૦૦થી વધુ ગ્લેશિયર તળાવો ખતરામાં છે કારણ કે તેમનું કદ ઝડપથી વધી રહ્યું છે.

આ જોખમને ધ્યાનમાં રાખીને, CWC દ્વારા લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં આવેલા ૪૩૨ ગ્લેશિયર તળાવો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

 

(8:47 PM IST)