<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મોટા સમાચાર : જમુઇમાં ગેરકાયદેસર હથિયાર ફેક્ટરીનો પર્દાફાશ : બે આરોપીઓની ધરપકડ

પોલીસે ઘટનાસ્થળેથી હથિયાર બનાવવાનો સામાન અને જીવતા કારતૂસ જપ્ત કર્યા : આરોપીઓના દિલ્હી, ગુજરાત અને મુંબઈ સહિત અનેક રાજ્યોમાં સંપર્કોના મળ્યા પુરાવા

પટના: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. જમુઇ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી હથિયાર બનાવવાનો સામાન અને જીવતા કારતૂસ મોટી માત્રામાં જપ્ત કર્યા છે અને આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જમુઇ પોલીસને જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના નિર્માણ અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ સૂચનાના આધારે પોલીસે બે ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા માહિતી એકઠી કરીને ફેક્ટરી પર દરોડો પાડી તેને સીલ કરી દીધી. આ ચોથી વખત છે જ્યારે જમુઇમાં મિની ગન ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.
આંતરરાજ્ય ગેંગ સાથે મળ્યા કડીના પુરાવા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓના દિલ્હી, ગુજરાત, યુપી અને મુંબઈ સહિત અન્ય રાજ્યોમાં પણ સંપર્કો છે. બિહારમાં બનેલા ગેરકાયદેસર હથિયારો દેશના વિવિધ રાજ્યોમાં સપ્લાય થતા હતા. પોલીસે આ ફેક્ટરી ઝાઝા પોલીસ સ્ટેશનના ઘોરીકવા ગામમાં પકડી છે. આરોપીઓએ તપાસ એજન્સીઓની નજરથી બચવા માટે આ ફેક્ટરીને શહેરી વિસ્તારને બદલે ગ્રામીણ વિસ્તારમાં સ્થાપિત કરી હતી. તેઓ શહેરથી હથિયાર બનાવવાનો સામાન લાવતા અને અહીં રાત-દિવસ કામ કરતા હતા. જોકે, આસપાસના ગામલોકોને શંકા ગઈ હતી, પરંતુ આરોપીઓ કોઈને કોઈ બહાનું કાઢીને તેમને ગેરમાર્ગે દોરતા હતા.
હાલમાં પોલીસ એ વિગતો એકઠી કરી રહી છે કે આ ફેક્ટરીમાંથી કયા કયા લોકોને ગેરકાયદેસર હથિયારો વેચવામાં આવ્યા હતા અને આરોપીઓના કયા રાજ્યમાં કઈ ગેંગ સાથે સંપર્કો છે. આ વર્ષના અંતમાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ગેરકાયદેસર હથિયારોની ફેક્ટરી મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક બન્યા છે.

 

(2:58 PM IST)