<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ઈતિહાસમાં પ્રથમવાર : ભરતીના વિઘ્નથી લાલબાગચા રાજાના વિસર્જનમાં મોટો વિલંબ : મૂર્તિ કલાકો સુધી દરિયાકિનારે અટવાઈ :જુઓ વિડીયો

પાણીનું સ્તર વધવાથી મૂર્તિને રાફ્ટ પર વિરાજમાન કરવામાં સમસ્યા : આખરે ચંદ્રગ્રહણ પહેલા મધદરિયે વિસર્જન થતા ભક્તોએ હાશકારો અનુભવ્યો

મુંબઈ: મુંબઈના સૌથી લોકપ્રિય દેવતા, લાલબાગચા રાજાની મંડળમાંથી રવિવારે વહેલી સવારે ગિરગાંવ ચોપાટી ખાતે વિસર્જન માટે પહોંચેલી પ્રતિમાને સમુદ્રમાં ઊંચી ભરતીને કારણે વિસર્જનમાં ભારે વિલંબનો સામનો કરવો પડ્યો હતો. ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન આટલું મોડું થયું હોય.
ગઈકાલે (૬ સપ્ટેમ્બર) લાલબાગચા રાજાની ભવ્ય શોભાયાત્રા પંડાલથી શરૂ થઈ હતી અને રવિવારે સવારે ૮ વાગ્યાની આસપાસ મૂર્તિ ગિરગાંવ ચોપાટી પહોંચી હતી. જોકે, સમુદ્રમાં ભરતીના કારણે પાણીનું સ્તર ખૂબ વધી ગયું હતું. દર વર્ષે ગણપતિ દાદાની મૂર્તિને સમુદ્રમાં લઈ જવા માટે એક ખાસ રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઊંચી લહેરો અને પાણીના સ્તરને કારણે મૂર્તિને આ રાફ્ટ પર વિરાજમાન કરવામાં ભક્તોને ભારે મુશ્કેલી પડી હતી.
પરિણામે, ગણપતિ દાદાની મૂર્તિ કલાકો સુધી દરિયામાં અડધી હોય તેવી જ સ્થિતિમાં કિનારે અટવાઈ રહી હતી. અનેક કલાકોના પ્રયાસો બાદ, ભક્તો દ્વારા મૂર્તિને રાફ્ટ પર મૂકી શકાઈ હતી. આખરે, ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલાં, મધદરિયે લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન સંપન્ન થયું હતું. આ વિલંબ બાદ પણ, ગણપતિ દાદાના ભક્તોએ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા હાશકારો અનુભવ્યો હતો.

 

(9:41 PM IST)