<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

બિહારના મતદારોને સુપ્રીમ કોર્ટનો 'આધાર' : વોટર લિસ્ટમાં નામ ઉમેરવા આધાર કાર્ડને માન્યતા, પણ નાગરિકતાનો પુરાવો નહીં!:

ECI દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવેલા ૧૧ માન્ય દસ્તાવેજો ઉપરાંત, આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે: નિર્ણય ૬૫ લાખ મતદારો માટે અગત્યનો

૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૫: ભારતની સર્વોચ્ચ અદાલતે બિહારના લાખો મતદારોને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આજે ભારતીય ચૂંટણી પંચ (ECI)ને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત મતદારોને તેમનું નામ યાદીમાં ફરીથી સામેલ કરાવવા માટે આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે.

આ નિર્ણય ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમાલય બાગચીની બેન્ચે આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે ECI દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવેલા ૧૧ માન્ય દસ્તાવેજો ઉપરાંત, આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને એ ૬૫ લાખ મતદારો માટે અગત્યનો છે, જેમનાં નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેઓ તેમના દાવા રજૂ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

કોર્ટે સ્પષ્ટતા કરી છે કે:

• આધાર કાર્ડને માત્ર રહેઠાણનો પુરાવો માનવામાં આવશે, નાગરિકતાનો નહીં.

• ચૂંટણી અધિકારીઓ આધાર કાર્ડની અસલિયત અને અધિકૃતતા ચકાસી શકે છે.

• ECIને તરત જ આ અંગે ઔપચારિક નોટિસ જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ કેસમાં અરજદારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું હતું કે બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) કોર્ટના અગાઉના આદેશોનો અનાદર કરી રહ્યા છે અને માત્ર આધાર કાર્ડ લઈને આવતા મતદારોના દાવા સ્વીકારતા નથી. તેમણે આ મામલે ૨૪ એફિડેવિટ પણ રજૂ કરી હતી. ECI તરફથી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ આ દલીલનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે તેમની વાતને નકારી કાઢી.

આ નિર્ણયથી બિહારમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા સરળ બનશે અને હજારો લોકો મતદાનના અધિકારથી વંચિત નહીં રહે.

 

(3:48 PM IST)