ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં BJD અને BRSની મોટી જાહેરાત :બંને પક્ષોનો મતદાનથી દૂર રહેવાનો નિર્ણય
BRSએ કહ્યું આ નિર્ણય તેલંગાણામાં યૂરિયાની ઉણપને કારણે ખેડૂતોની પીડાની અભિવ્યક્તિ છે: BJDએ કહ્યું કે ઓડિશાના 4.5 કરોડ લોકોના વિકાસ અને કલ્યાણને પ્રાથમિકતા આપશું

નવી દિલ્હી : ભારતની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025 ને હવે ફક્ત એક દિવસ બાકી છે, ત્યારે બે તટસ્થ રાજકીય પક્ષો - કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની આગેવાની હેઠળની બીજૂ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાની મોટી જાહેરાત કરી છે. આ બંને પક્ષો રાષ્ટ્રીય સ્તરે કોઈપણ ગઠબંધન - NDA કે ઈન્ડિયા બ્લોકનો ભાગ નથી.
બંને પક્ષોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ NDA અને ઈન્ડિયા બ્લોક બંનેથી સમાન અંતર જાળવી રાખશે અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે 9 સપ્ટેમ્બરે યોજાનારા મતદાનમાં ભાગ લેશે નહીં. BRSના કાર્યકારી અધ્યક્ષ કે. ટી. રામા રાવ (KTR)એ જણાવ્યું કે આ નિર્ણય તેલંગાણામાં યૂરિયાની ઉણપને કારણે ખેડૂતોની પીડાની અભિવ્યક્તિ છે. બીજી તરફ BJDએ ઓડિશાના 4.5 કરોડ લોકોના વિકાસ અને કલ્યાણને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે.
KTRએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, “યૂરિયાની ઉણપનો મુદ્દો ઉકેલવામાં ભાજપ અને કોંગ્રેસ બંને નિષ્ફળ રહ્યા છે. યૂરિયાની ઉણપ એટલી તીવ્ર છે કે ખેડૂતો લાઈનોમાં ઝઘડા કરી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે જો ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં નોટા (None of the Above)નો વિકલ્પ હોત તો BRS તેનો ઉપયોગ કરતું. KTRએ 20 ઓગસ્ટે જણાવ્યું હતું કે BRS એ ગઠબંધનને સમર્થન આપશે જે તેલંગાણા માટે 2 લાખ ટન યૂરિયાની સપ્લાયની ખાતરી આપશે, પરંતુ NDA અને ઈન્ડિયા બ્લોક બંનેએ આ મુદ્દે કોઈ પગલાં લીધાં નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું, “અમે એક સ્વતંત્ર પાર્ટી છીએ. અમારા બોસ દિલ્હીમાં નથી, તેલંગાણાની જનતા જ અમારા અસલી બોસ છે.” BRS પાસે રાજ્યસભામાં 4 સાંસદો છે, જ્યારે લોકસભામાં તેનું કોઈ પ્રતિનિધિત્વ નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
