<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

અમેરિકામાં સ્ટોરમાંથી સામાનની ચોરી કરતા ગુજરાતી યુવતી રંગેહાથ પકડાઈ : હાથ જોડીને માફી માંગી પણ બચી શકી નહીં

તેણે અગાઉ પણ આમ કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું, પોલીસે તેની સામે કાર્યવાહી કરી

અમદાવાદઃ અમેરિકામાં પોલીસની કાર્યવાહી અમુક કિસ્સામાં ઘણી ઝડપી રહે છે, જે કિસ્સામાં વ્યક્તિ રંગેહાથ પકડાઈ જાય ત્યારે પોલીસ એક્શનમાં આવી જાય છે, આવું જ એક ગુજરાતી મૂળની યુવતી સાથે થયું છે કે જે સ્ટોરમાંથી સામાનની ચોરી કરતા રંગેહાથ પકડાયા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે, આ યુવતી પકડાઈ ગયા પછી એટલી ડરી ગઈ હતી કે તેને સમજાતું નહોતું કે તેણે શું કરી દીધું છે. પોલીસ સતત તેના પર પ્રશ્નોનો મારો ચલાવી રહી હતી પરંતુ તે ડઘાઈ ગઈ હતી જેના કારણે માત્ર 2-3 શબ્દોમાં જ જવાબ આપી રહી હતી. તેને પૂછવામાં આવ્યું કે તે મૂળ ક્યાંની છે અને તેને કઈ ભાષા આવડે છે તો તેણે જણાવ્યું કે પોતે ભારતના ગુજરાત રાજ્યની છે અને તેને ગુજરાતી ફાવે છે.

     આ ઘટના 15 જાન્યુઆરી 2025ની છે જેનો ખુલાસો અમેરિકા દ્વારા 4 સપ્ટેમ્બરે કરવામાં આવ્યો છે, જેમાં આ મહિલા દ્વારા સ્ટોરમાં શું કરવામાં આવ્યું હતું તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી તેની માહિતી રજૂ કરવામાં આવી છે. આ યુવતીને પોલીસ દ્વારા પૂછવામાં આવે છે કે શું તારી પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ કે કોઈ આઈડી છે તો તે કોઈ જવાબ આપતી નથી, પછી પોલીસે સમજી લીધું કે તેનો જવાબ ના છે, આ યુવતી સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે તે હાથ જોડીને પોતાને છોડી દેવા માટે વિનંતી કરે છે, પણ પોલીસ પોતાની કાર્યવાહી ચાલુ જ રાખે છે. 

    આ મહિલાને ડિટેઈન કરવામાં આવી હતી અને પછી તેને કોર્ટમાં રજૂ કરવાની માહિતી આપવામાં આવી હતી. આટલી કાર્યવાહી બાદ તેને ત્યાંથી રવાના કરવામાં આવી હતી. અમેરિકાની પોલીસ દ્વારા જે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય અને તેનાથી લોકો સુધી ઉદાહરણ પહોંચે તે માટે 'પોલીસ રિલીઝ' અકાઉન્ટ પરથી કાર્યવાહીનો વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવતો હોય છે.  

આ મહિલાની અટકાયત કરવામાં આવી પછી તેની તપાસ કરવામાં આવે છે જેમાં તેને પૂછવામાં આવે છે કે શું તમારી પાસે કોઈ હથિયાર છે? ડરી ગયેલી મહિલાને પોલીસ શાંત થવા માટે કહેવામાં આવે છે, તેને ઊંડા શ્વાસ લેવાની પણ પોલીસ સલાહ આપે છે, જેથી તેને કેટલાક સવાલો કરી શકે, પરંતુ તે એટલી ડરેલી હતી કે કશું બોલી શકતી નહોતી. 

    અન્ય એક વ્યક્તિ પોલીસને માહિતી આપે છે કે, તેનું વર્તન 40 મિનિટથી આ પ્રકારનું (ડર) જ છે. આ યુવતી અગાઉ પણ સ્ટોરમાં જઈને સામાન ચોરવાનું કૃત્ય કર્યું હોવાની માહિતી પોલીસની તપાસ દરમિયાન આપે છે, જ્યારે તેને પૂછવામાં આવે છે કે, શું તું ફરી આવું કરીશ? તો તે હાથ હલાવીને નામાં જવાબ આપે છે 

    તેને પૂછવામાં આવે છે કે તે ચોરેલા સામાનનું શું કરતી હતી? જ્યારે તેને કહેવામાં આવ્યું કે શું તે આ સામાન વેચી દેતી હતી? તો તે જવાબ આપે છે કે હા, અમુક સામાન.. તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ હતી કે કેમ તે અંગે પણ તેને સવાલ કરવામાં આવે છે, પરંતુ તે નામાં જવાબ આપે છે. આ પછી આ મહિલા સામે કાર્યવાહી કરવામાં આવી તે અંગે એક કાગળ પર સહી પણ કરાવવામાં આવે છે 

પોલીસ દ્વારા આ યુવતીને કહેવામાં આવે છે કે તે આ કૃત્ય કર્યું છે તે બદલ તારે જેલમાં પણ જવું પડી શકે છે. પણ તેને કહે છે કે, અમે તને જેલમાં પૂરવાના નથી પરંતુ તને છોડી દઈએ છીએ, તેને આ મામલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી માહિતી પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી.

જે યુવાનો અમેરિકામાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે જવા માગે છે કે ગયા છે તેમને અમુક ડૉલર બચાવવા માટે આ પ્રકારના કૃત્યથી દૂર રહેવું જોઈએ, બાકી તેમની સામે કાર્યવાહી કરીને તેમને ભારત પણ પરત મોકલવામાં આવી શકે છે 

(8:13 PM IST)