<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ટીકટોક પરથી પ્રતિબંધ હટાવવા મામલે સરકારમાં કોઈ ચર્ચા થઈ નથી: અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી

ભારતમાં શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટીકટોક પર લાગેલા પ્રતિબંધને લઈને ફેલાયેલી અફવાઓ પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુલાસો કર્યો

નવી દિલ્હીઃ ભારતમાં શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટીકટોક (TikTok) પર લાગેલા પ્રતિબંધને લઈને ફેલાયેલી અફવાઓ પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, ટીકટોક પરથી પ્રતિબંધ હટાવવા મામલે હાલ સરકારમાં કોઈ ચર્ચા થઈ નથી અને આવો કોઈ પ્લાન પણ નથી. મની કંટ્રોલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, જ્યારે તેમને ટીકટોકની ભારતમાં વાપસી અંગે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ જવાબ આપ્યો છે.

હાલમાં જ ભારતમાં ટીકટોક (TikTok)ની વેબસાઇટ જોવા મળી હતી, જે બાદ ઘણા લોકો અટકળો લગાવવા લાગ્યા હતા કે આ પ્લેટફોર્મની ભારતમાં ફરી એન્ટ્રી થવા જઈ રહી છે. હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અફવા પર પોતાનો જવાબ આપ્યો છે.

    ગત મહિને ભારતમાં અમુક મોબાઇલ અને બ્રૉડબેન્ડ યૂઝર્સના નેટવર્ક પર ટીકટોકની વેબસાઇટ ઍક્સેસ થઈ હતી. આ ટેકનિકલ ખામીના કારણે ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે ટીકટોક ટૂંક સમયમાં ભારતમાં ફરી એન્ટ્રી કરશે અને તેના પરથી પ્રતિબંધ હટાવવામાં આવશે. જોકે, સરકારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે અને આ અફવાઓને વિરામ આપ્યો છે.

TikTok પર ભારતમાં જૂન 2020માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા પ્રાઈવસીને જોખમમાં મૂકતી હોવાનું કારણ જણાવી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ બાદ એપલ અને ગૂગલે આ એપ્સને ભારતીય સર્વર્સમાંથી હટાવી દીધી હતી. ભારત સરકારે વર્ષ 2020માં જણાવ્યું હતું કે, ટીકટોક સહિત 59 ચીની એપ્સ ભારતીય યૂઝર્સનો ડેટા ચીનના સર્વર્સ પર મોકલી રહી હતી. આનાથી લાખો યૂઝર્સની પ્રાઈવસી અને ડેટા સુરક્ષા પર સવાલો ઉભા થયા હતા.

(9:09 PM IST)