<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ઘર ખરીદનારા ૩૬ ટકા લોકોને ૯૦ લાખથી રૂ.૧.૫૦ કરોડના સેગમેન્‍ટ પસંદ

ભારતના રીઅલ એસ્‍ટેટ ક્ષેત્રમાં પ્રીમિયમ લક્‍ઝરીનો વધતો ટ્રેન્‍ડઃ એફોર્ડેબલ હાઉસિંગમાં સ્‍થિતિ બદલાઈ

નવી દિલ્‍હી,તા.૦૯: ૨૦૨૫ના પ્રથમ છ માસિક દરમિયાન ભારતના રીઅલ એસ્‍ટેટ ક્ષેત્રની સ્‍થિતિનો ચિતાર આપતો રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ મુજબ, પ્રીમિયમ લક્‍ઝરી સેગમેન્‍ટની પસંદગી વધી રહી છે. દેશમાં ઘર ખરીદવા ઈચ્‍છુકોમાંથી ૩૬ ટકા લોકો રૂ.૯૦ લાખથી રૂ.૧.૫૦ કરોડના સેગમેન્‍ટ વધુ પસંદ કરે છે. ANAROCKના રિપોર્ટ મુજબ, માત્ર ૨૫ ટકા લોકો રૂ.૪૫ લાખથી રૂ.૯૦ લાખના મકાન પસંદ કરી રહ્યા છે. 

રિપોર્ટમાં બહાર આવેલા તારણ મુજબ, હાલના સમયમાં રોકાણકારો નવા નિર્ણય લેવાનું ટાળી રહ્યા છે, જ્‍યારે વસવાટ માટે મકાન ખરીદવા માગતા એન્‍ડયુઝર્સને આ સમય યોગ્‍ય જણાય છે. સંભવિત ખરીદદારોમાંથી ૬૫ ટકા લોકો પ્રથમ વખત મકાન ખરીદવા પ્રયાસ કરી રહ્યા છે. રોકાણકારોની લ્લષ્ટિએ દેશના તમામ શહેરોમાં બેંગલોર સૌથી વધુ પસંદગી પામ્‍યું છે. બેંગલુરુમાં સંપત્તિ ખરીદવા માગતા લોકોમાંથી ૫૭ ટકા એન્‍ડયુઝર્સ છે, જ્‍યારે ૪૩ ટકા લોકો રોકાણ માટે યોગ્‍ય વિકલ્‍પ શોધી રહ્યા છે.

દિલ્‍હી-એનસીઆરમાં મિલકત ખરીદવામાં રોકાણકારોને ઓછો રસ છે. અહીંયા ૭૪ ટકા એન્‍ડ યુઝર્સ મકાન શોધી રહ્યા છે અને ૨૬ ટકા રોકાણકારો જ સક્રિય છે. શેરબજારમાં આ સમય ઉથલપાથલનો છે ત્‍યારે ઈન્‍વેસ્‍ટમેન્‍ટ એસેટ ક્‍લાસમાં ૬૩ ટકા ખરીદદારોને રીઅલ એસ્‍ટેટ સૌથી વધુ યોગ્‍ય જણાય છે, જે ગત વર્ષની સરખામણીએ ૪ ટકાનો વધારો સૂચવે છે. એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્‍ટમાં હાલ ઉપલબ્‍ધ વિકલ્‍પોથી મોટાભાગના લોકો નારાજ છે. ૯૨ ટકા લોકોને પ્રોજેક્‍ટના લોકેશન્‍સ પસંદ આવતા નથી. ૯૦ ટકાને લો કન્‍સ્‍ટ્રક્‍શન ક્‍વોલિટી અને નબળી ડિઝાઈન સામે તકલીફ છે. ૭૭ ટકા લોકોને પોતાની જરૂરિયાત સંદર્ભે મકાન ઘણાં નાના લાગે છે. એકંદરે ૬૨ ટકા ખરીદદારોને એફોર્ડેબલ હાઉસિંગના વિકલ્‍પો પસંદ આવ્‍યા નથી. 

ANAROCK ગ્રૂપના ચેરમેન અનુજ પુરીના જણાવ્‍યા મુજબ, રૂ.૪૫ લાખથી ઓછી કિંમતના અથવા એફોર્ડેબલ હાઉસિંગમાં મકાન ખરીદવા મગતા લોકોની જરૂરિયાત સામે વાસ્‍તવિક સ્‍થિતિ અલગ જણાઈ છે. દેશભરમાં મકાન ખરીદવા માગતા લોકોમાંથી ૮૧ ટકા માટે સતત વધી રહેલી કિંમતો ચિંતાજનક છે. છેલ્‍લા બે વર્ષ દરમિયાન દેશમાં ટોચના ૭ શહેરોમાં સરેરાશ રહેણાકની કિંમતમાં ૫૦ ટકાનો વધારો થયો છે. ૨૦૨૩ના બીજા ત્રિમાસિક દરમિયાન ચોરસ ફૂટ દીઠ સરેરાશ કિંમત રૂ. ૬૦૦૧ હતી, જે ૨૦૨૫ના બીજા ત્રિમાસિકમાં વધીને રૂ.૮૯૯૦ થઈ છે.

(9:32 AM IST)