<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ટ્રમ્‍પની મુશ્‍કેલી વધીઃ હવે ફેડરલ કોર્ટથી ઝટકોઃ રૂા. ૭૩૩ કરોડ ચૂકવવા પડશે

ફેડરલ કોર્ટે માનહાનિના એક ગંભીર કેસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની અરજીને ફગાવી દીધી

વોશીંગ્‍ટન તા.૯: અમેરિકથી એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. વાસ્‍તવમાં ફેડરલ કોર્ટે માનહાનિના એક ગંભીર કેસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની અરજીને ફગાવી દીધી છે અને હવે તેમને ૭૩૩ કરોડ રૂપિયાનું વળતર ચુકવવાનું રહેશે. બીજી તરફ અમેરિકાની સર્વોચ્‍ચ અદાલત સુપ્રીમ કોર્ટે ટ્રમ્‍પના કડક ઇમિગ્રેશન વલણને સમર્થન આપતાં મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્‍યો છે.

માનહાનિ કેસમાં ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્‍પને કોઈ પણ પ્રકારનું રાષ્ટ્રપતિ રક્ષણ આપવાનું ઈનકાર્યું છે. લેખિકા જિન કેરોલે ૨૦૧૯માં ટ્રમ્‍પ સામે દાવો દાખલ કર્યો હતો કે, ૧૯૯૬માં ન્‍યુયોર્કના એક હાઈએન્‍ડ સ્‍ટોરના ડ્રેસિંગ રૂમમાં ટ્રમ્‍પે તેમનો યૌન શોષણ કર્યો હતો. ટ્રમ્‍પે આ આરોપોને ‘‘કથિત કાલ્‍પનિક'' ગણાવતાં તેનો ઇનકાર કર્યો હતો અને જણાવ્‍યું હતું કે, તે મારી પ્રકારની નથી. તેમની આ ટિપ્‍પણીના આધારે કેરોલે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં મે ૨૦૨૩માં જ્‍યુરીએ ટ્રમ્‍પને દોષી ઠેરવ્‍યો હતો અને તેમને ઼૫ મિલિયન (અંદાજે રૂા. ૪૧ કરોડ) નો દંડ ફટકાર્યો હતો

જાન્‍યુઆરી ૨૦૨૪માં બીજી જ્‍યુરીએ પણ ટ્રમ્‍પ સામે નિર્ણય આપ્‍યો હતો જેમાં વધુ રૂા.૭૩૩ કરોડનું વળતર ચુકવવાનું જણાવ્‍યું હતું. ટ્રમ્‍પે દલીલ કરી હતી કે, તેઓ રાષ્ટ્રપતિ હોવાને કારણે તેમને આવી કામગીરી માટે રક્ષણ મળવું જોઈએ, પણ કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી. ૨જી યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્‍સે કહ્યું કે, ટ્રમ્‍પના વર્તનની ગંભીરતા ‘‘અભૂતપૂર્વ સ્‍તર'' સુધી પહોંચી છે અને તેઓ રાષ્ટ્રપતિ તરીકેના રક્ષણ માટે પાત્ર નથી.

ટ્રમ્‍પ માટે જ્‍યાં એક તરફ અદાલતી ઝટકો મળ્‍યો છે ત્‍યાં બીજી તરફ અમેરિકી સુપ્રીમ કોર્ટે ઇમિગ્રેશન મામલે તેમના વલણને માન્‍યતા આપી છે. ટોચની અદાલતે ૬-૩ ના ચુકાદા સાથે દક્ષિણ કેલિફોર્નિયામાં સુરક્ષા એજન્‍સીઓને જાતિ કે ભાષા આધારે શંકાસ્‍પદ લોકો પર દરોડા પાડવાની મંજૂરી આપી છે, જો તેમની પર સ્‍પષ્ટ ગેરકાયદેસર હોવાની શંકા ન હોય. ન્‍યાયાધીશે અગાઉ એવી રીતના દરોડા અને અટકાણ પર રોક લગાવ્‍યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. આ નિર્ણય પછી ઇમિગ્રેશન અધિકારીઓને વધુ છૂટછાટ મળશે.

યુએસ એટર્ની જનરલ પામ બોન્‍ડીએ આ નિર્ણયને ‘‘મોટી વિજય'' ગણાવી છે. સોશિયલ મીડિયા પર પોતાનો પ્રતિસાદ આપતાં તેમણે કહ્યું કે, હવે ઇમિગ્રેશન એન્‍ફોર્સમેન્‍ટ ટુકડીઓ કેલિફોર્નિયામાં કોઈપણ પ્રતિબંધ વિના પેટ્રોલિંગ ચાલુ રાખી શકે છે. આ બંને નિર્ણયો ડોનાલ્‍ડ ટ્રમ્‍પ માટે વિવાદાસ્‍પદ ભવિષ્‍ય દર્શાવે છે. એક તરફ વ્‍યક્‍તિગત વર્તન અને અગાઉના નિવેદનો માટે તેમને કાયદેસર જવાબદારી ભોગવવી પડી રહી છે તો બીજી તરફ રાષ્ટ્રપતિ તરીકેના નીતિગત વલણને અદાલત માન્‍યતા આપી રહી છે. ૨૦૨૪ની રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી કરી રહેલા ટ્રમ્‍પ માટે આ બંને નિર્ણયો ચૂંટણી રણનીતિ અને જનધારણા પર નોંધપાત્ર અસર કરી શકે છે.(૩૮.૯)

(10:15 AM IST)