<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

નેપાળમાં હિંસક વિરોધ: ભૂતપૂર્વ પીએમ શેર બહાદુર દેઉબા અને તેમની પત્ની પર હુમલો, નાણામંત્રીને પણ માર મારવામાં આવ્યો : જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં શેર બહાદુર દેઉબા લોહીલુહાણ હાલતમાં જોવા મળી રહ્યા છે. તેમને પોતાનો જીવ બચાવવા માટે ભીડથી ભાગવું પડ્યું હતું.

કાઠમંડુ : નેપાળમાં ચાલી રહેલું 'જનરેશન-ઝેડ' આંદોલન હવે અત્યંત હિંસક સ્વરૂપ લઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારના વિરોધમાં શરૂ થયેલા આ પ્રદર્શનોએ સરકારનો પાયો હચમચાવી નાખ્યો છે. આ હિંસામાં, ભૂતપૂર્વ વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા અને તેમના પત્ની અર્જુ રાણા દેઉબા પર હુમલો કરવામાં આવ્યો છે.
 
પૂર્વ પીએમ અને નાણામંત્રી લોહીલુહાણ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં શેર બહાદુર દેઉબા લોહીલુહાણ હાલતમાં જોવા મળી રહ્યા છે. તેમને પોતાનો જીવ બચાવવા માટે ભીડથી ભાગવું પડ્યું હતું. આ ઉપરાંત, નેપાળના નાણામંત્રી વિષ્ણુ પૌડેલને પણ વિરોધકર્તાઓએ રસ્તા પર પીછો કરીને માર માર્યો હતો. અત્યાર સુધીમાં આ હિંસામાં ૨૧ લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે.
 
સરકારમાં ઉથલપાથલ
પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેતા, ગૃહમંત્રી, કૃષિમંત્રી, આરોગ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી સહિત ચાર મંત્રીઓએ રાજીનામું આપી દીધું. આ પછી, વડાપ્રધાન કેપી શર્મા ઓલીને પણ તેમનું પદ છોડવું પડ્યું. ગુસ્સે ભરાયેલા ટોળાએ સંસદ ભવનમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી. પૂર્વ વડાપ્રધાનો પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને શેર બહાદુર દેઉબાના ઘરો પર પણ હુમલો થયો હતો. ગૃહમંત્રી અને સંદેશાવ્યવહાર મંત્રીના ઘરોને આગ ચાંપવામાં આવી હતી.
 
સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો
લોકોના ગુસ્સાને શાંત કરવા માટે, નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. સંદેશાવ્યવહાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે આ જાહેરાત કરી અને જણાવ્યું કે, 'જનરેશન-ઝેડ'ની માંગણીઓ મુજબ સોશિયલ મીડિયા સાઇટ્સ ફરીથી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નેપાળ સરકારે ત્રણ દિવસ પહેલાં ફેસબુક અને 'એક્સ' સહિત ૨૬ સોશિયલ મીડિયા સાઇટ્સને દેશમાં નોંધણી ન હોવાના કારણે પ્રતિબંધિત કરી હતી.

 

(7:06 PM IST)