<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ હિમાચલ પ્રદેશમાં પૂરની સ્‍થિતિની સમીક્ષા કરી, રાહત માટે રૂ.૧૫૦૦ કરોડની સહાય જાહેર કરી

વડાપ્રધાને આ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો સાથે પણ મુલાકાત કરી અને મૃત્‍યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્‍યે ઊંડો શોક અને સંવેદના વ્‍યક્‍ત કરી

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ આજ રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી અને વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્‍ખલનને કારણે પૂરથી પ્રભાવિત વિસ્‍તારોની સમીક્ષા કરી. વડાપ્રધાને સૌ પ્રથમ હવાઈ સર્વેક્ષણ કરીને નુકસાનનું આકલન કર્યું. ત્‍યાર બાદ, તેમણે કાંગરામાં એક સત્તાવાર બેઠક યોજીને રાહત અને પુનર્વસનનાં પગલાંની સમીક્ષા કરી. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાને હિમાચલ પ્રદેશ માટે રૂ.૧૫૦૦ કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી. આ સહાય ઉપરાંત, સ્‍ટેટ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફંડ (SDRF) અને પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ (PM-KISAN)નો બીજો હપ્તો પણ વહેલી તકે બહાર પાડવામાં આવશે.

પુનર્નિર્માણ અને સહાય માટેનાં મુખ્‍ય પગલાં : વડાપ્રધાને આ પ્રદેશ અને તેના લોકોને ફરીથી બેઠા કરવા માટે બહુ-આયામી લ્લષ્ટિકોણ અપનાવવાનું કહ્યું. આ માટે નીચે મુજબના પગલાં લેવામાં આવશે

* પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) : નુકસાન પામેલાં ઘરોનું જીઓટેગિંગ કરીને સહાય ઝડપી અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે.

* સડક અને માળખાગત સુવિધા : રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું પુનર્નિર્માણ કરવામાં આવશે.

* શિક્ષણ : શાળાઓમાં થયેલાં નુકસાનને જીઓટેગ કરીને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સમયસર સહાય પૂરી પાડવામાં આવશે, જેથી શિક્ષણ અટકાવું ન પડે.

* કૃષિ અને પશુપાલન : કૃષિ સમુદાયને ટેકો આપવા માટે વધારાની સહાય પૂરી પાડવામાં આવશે. પશુધન માટે મિની કિટ્‍સ પણ આપવામાં આવશે.

જળ વ્‍યવસ્‍થાપન અને સહાય : વરસાદી પાણીને એકઠું કરવા અને સંગ્રહ કરવા માટે જળસંચયની રચનાઓનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ભૂગર્ભ જળનું સ્‍તર સુધરશે.

કેન્‍દ્ર સરકારે પહેલાથી જ આંતર-મંત્રાલય કેન્‍દ્રીય ટીમો હિમાચલ પ્રદેશ મોકલી છે, જેમના વિગતવાર અહેવાલના આધારે વધુ સહાય અંગે વિચારણા કરવામાં આવશે.

મૃતકોના પરિવારજનોને સાંત્‍વના : વડાપ્રધાને આ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો સાથે પણ મુલાકાત કરી અને મૃત્‍યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્‍યે ઊંડો શોક અને સંવેદના વ્‍યક્‍ત કરી. તેમણે જણાવ્‍યું કે આ મુશ્‍કેલ સમયમાં કેન્‍દ્ર સરકાર રાજ્‍ય સરકાર સાથે મળીને તમામ શક્‍ય મદદ પૂરી પાડશે. આ ઉપરાંત, વડાપ્રધાને મૃતકોના નજીકના સંબંધીઓને રૂ.૨ લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયેલા લોકોને રૂ.૫૦,૦૦૦નું વળતર આપવાની પણ જાહેરાત કરી.

વડાપ્રધાને નેશનલ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ (NDRF), સ્‍ટેટ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ (SDRF), સેના, રાજ્‍ય વહીવટીતંત્ર અને અન્‍ય સેવાભાવી સંસ્‍થાઓના કર્મચારીઓના રાહત અને બચાવ કાર્યના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે ખાતરી આપી કે કેન્‍દ્ર સરકાર રાજ્‍યના આવેદનપત્ર અને કેન્‍દ્રીય ટીમોના અહેવાલના આધારે પરિસ્‍થિતિનું મૂલ્‍યાંકન કરીને તમામ પ્રયાસો કરશે.

(7:25 PM IST)