<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ભયાનક અજકતા વચ્ચે નેપાળમાં મધરાતે લશ્કરે શાસન સંભાળી લીધું: વચગાળાની સરકાર રચવાની પ્રક્રિયા ચાલુ: નેપાળમાં 'જનરેશન ઝેડ' આંદોલન ભારે હિંસક બન્યું, વડાપ્રધાનના રાજીનામા બાદ પણ સ્થિતિ બેકાબૂ

નેપાળના આર્મી ચીફ અશોક રાજ સિગડેલે રાષ્ટ્રજોગ સંબોધનમાં આ જાહેરાત કરી: સિગડેલ અને આંદોલનકારીઓના નેતાઓ, કાઠમંડુના મેયર બાલેન શાહ વચ્ચે વાતચીત ચાલુ: નવી સરકારના વચગાળાના વડાપ્રધાન તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુશીલા કાર્કીને નિયુક્ત કરવાની સંભાવના

નેપાળમાં સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય સામે ભડકેલા 'જનરેશન ઝેડ' (Gen Z) આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પરિસ્થિતિ બેકાબૂ બનતા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે, છતાં હિંસા અટકી નથી. આંદોલનકારીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર અને સુપ્રીમ કોર્ટમાં આગચંપી કરી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે અત્યારે મોડી રાત્રે નેપાળની સેનાએ દેશનું શાસન સંભાળવાની જાહેરાત કરી છે.

 

નેપાળ હાલમાં રાજકીય અસ્થિરતા અને હિંસક વિરોધ પ્રદર્શનોના દૌરમાંથી પસાર થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણય સામે શરૂ થયેલા 'જનરેશન ઝેડ' આંદોલને ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ પરિસ્થિતિને કારણે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. જોકે, તેમના રાજીનામા પછી પણ દેશમાં શાંતિ સ્થાપિત થઈ નથી. હિંસક પ્રદર્શનકારીઓએ દેશભરમાં તોડફોડ અને આગચંપી કરી છે, જેમાં સંસદ ભવન, રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન, સુપ્રીમ કોર્ટ અને કેબિનેટ મંત્રીઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે.

 

સેનાએ દેશનું નિયંત્રણ સંભાળ્યું: પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેતા, નેપાળની સેનાએ દેશની કમાન પોતાના હાથમાં લીધી છે. નેપાળના આર્મી ચીફ અશોક રાજ સિગડેલે રાષ્ટ્રજોગ સંબોધનમાં આ જાહેરાત કરી હતી. 

 

તેમણે કહ્યું કે, "લૂંટફાટ, આગચંપી અને અન્ય હિંસક ગતિવિધિઓને તાત્કાલિક રોકવા માટે, આજે (૯ સપ્ટેમ્બર) રાત્રે ૧૦ વાગ્યાથી સેના દરેક સુરક્ષા તંત્રને પોતાના હાથમાં લઈ લીધું છે." આ નિર્ણયથી દેશમાં સૈન્ય શાસન જેવી સ્થિતિ સર્જાઈ છે, જેણે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું છે.

 

નવી સરકારની રચના અંગે વાટાઘાટો: હિંસક દેખાવો વચ્ચે, નવી સરકારના ગઠન માટે રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે. આર્મી ચીફ અશોક રાજ સિગડેલ અને આંદોલનકારીઓના નેતાઓ, જેમાં કાઠમંડુના મેયર બાલેન શાહનો સમાવેશ થાય છે, તેમની વચ્ચે વાતચીત ચાલી રહી છે. અહેવાલો મુજબ, નવી સરકારના વચગાળાના વડાપ્રધાન તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુશીલા કાર્કીને નિયુક્ત કરવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, સુશીલા કાર્કી નેપાળની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી ચૂક્યા છે.

 

હિંસા અને સરકારી સંપત્તિને નુકસાન: આંદોલનકારીઓની હિંસાએ દેશને મોટું નુકસાન પહોંચાડ્યું છે. પ્રદર્શનકારીઓએ નેપાળની સંસદ, રાષ્ટ્રપતિ નિવાસ અને સર્વોચ્ચ અદાલતમાં આગ લગાડી છે. આ ઉપરાંત, દેશભરમાં હિંસા અને લૂંટફાટના અસંખ્ય બનાવો નોંધાયા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સેના હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને મંત્રીઓને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી રહી છે.

 

આંદોલનનું મૂળ: આ આંદોલનને 'જનરેશન ઝેડ ક્રાંતિ' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ ક્રાંતિનો ઉદ્ભવ ત્યારે થયો જ્યારે નેપાળ સરકારે ફેસબુક, એક્સ (જે પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતું), ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત ૨૬ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો. આ નિર્ણયથી નારાજ યુવાનોએ તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો સીધો હુમલો ગણાવી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા, જેણે હવે આ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. સમગ્ર વિશ્વની મીડિયા નેપાળના આ હિંસક બનેલા ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

(11:49 PM IST)