<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

નાગ સાથે એક જ કટોરામાંથી દૂધ પીધું અને એ જ સાપને જીભ પર ડંસવા દીધો છતાં કંઈ ન થયું

તેજાજી મહારાજ સ્‍થાનિકોના લોકદેવતા મનાય છે, તેઓ ગાયોના રક્ષક અને સાપોના દેવતા તરીકે પૂજાતા આવ્‍યા છે

બારાં,તા.૧૦: રાજસ્‍થાનના બારાં જિલ્‍લામાં તેજાજી મહારાજની ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી. તેજાજી મહારાજ સ્‍થાનિકોના લોકદેવતા મનાય છે. તેઓ ગાયોના રક્ષક અને સાપોના દેવતા તરીકે પૂજાતા આવ્‍યા છે. દર વર્ષે ભાદરવા સુદ દસમીને તેજા દસમી તરીકે ઊજવવામાં આવે છે. તેમના સન્‍માનમાં મેળો અને શોભાયાત્રાઓ યોજવામાં આવે છે. ગયા અઠવાડિયે સીસવાલી ગામમાં તેજાજી મહારાજની શોભાયાત્રામાં પૂજારી રામબાબુ કુંભાર નામના એક ભાઈએ અજીબોગરીબ કરતબ કરી બતાવ્‍યું હતું. તેમણે કાળોતરો નાગ ગળામાં લપેટ્‍યો હતો. ઘોડા પર બેસીને આવેલા પૂજારી રામબાબુએ એ પછી એક કટોરામાં દૂધ લીધું. નાગ એમાંથી દૂધ પી રહ્યો હતો ત્‍યારે જ એ કટોરો તેમણે પણ મોઢે માંડી દીધો. એટલું ઓછું હોય એમ એ પછી પોતાની જીભ બહાર કાઢીને નાગને એના પર ડંખ મરાવ્‍યો. નાગે જીભ પકડી લીધી અને પછી થોડી વાર બાદ છોડી દીધી. જોકે આ તમામ ક્રિયાઓ પછી પણ ભોપા રામબાબુને કંઈ જ થયું નહીં. આ ઘટનાનો વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો છે. સ્‍થાનિકોનું માનવું છે કે તેજાજી મહારાજ સાપોના દેવતા હોવાથી જે તેમનો સાચો ભક્‍ત હોય તેના પર કદી સર્પદંશનો પ્રભાવ પડતો નથી.

(9:47 AM IST)