<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ખેલૈયાઓને જલ્‍સો..આ વર્ષે નવરાત્રી ૧૦દિવસની ૨૨ સપ્‍ટેમ્‍બરે ઘટસ્‍થાપન

ત્રીજની વૃદ્ધિને કારણે આરાધના ૧ ઓક્‍ટોબર સુધી ચાલશે આદ્યશક્‍તિ માતા હાથી પર સવાર થઇને આવશે, આ શુભ સંયોગ

મુંબઈ,તા.૧૦: ગણેશોત્‍સવની રંગારંગ ઉજવણી બાદ હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. બીજી બાજુ ખેલૈયાઓ અને આદ્યશક્‍તિના મંદિરોમાં નવરાત્રી પર્વની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જે અંતર્ગત ચાલુ વર્ષે નવની જગ્‍યાએ ૧૦ દિવસની નવરાત્રી હોય ખેલૈયાઓનો ઉત્‍સાહ બેવડાયો છે. ત્રીજની વૃદ્ધિ તિથિને કારણે આદ્યશક્‍તિની આરાધનાનો દોર ૧ ઓક્‍ટોબર સુધી ચાલશે. તેમાં પણ માતાજી હાથી પર સવાર થઈને આવવાનો હોય શુભ સંયોગ રચાશે.

તિથિના સંયોગ પ્રમાણે ૨૨ સપ્‍ટેમ્‍બરના સોમવારે આસો સુદ એકમ સાથે શારદીય નવરાત્રીનો આરંભ થશે. ત્રીજની વૃદ્ધિ તિથિ હોવાને કારણે ૧ ઓક્‍ટોબરના રોજ મહાનવમી સુધી મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનો સાથે નવરાત્રીની ઉજવણી થશે. ખેલૈયાઓને પણ નવની જગ્‍યાએ ૧૦ દિવસ ગરબા-રાસની રમઝટ માણવા મળશે. મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજબ, શ્રાદ્ધ પક્ષમાં સાતમની ક્ષય તિથિ બાદ નવરાત્રીમાં ત્રીજની વૃદ્ધિ તિથિ આવી રહી છે. ૨૨મીએ સોમવારે ઘટસ્‍થાપન કરવાનું છે. સોમવારે બપોરે ૧૧.૨૫ વાગ્‍યા બાદ હસ્‍ત નક્ષત્ર અને સાંજે ૬.૫૯ વાગ્‍યા સુધી શુક્‍લ, બાદમાં બ્રહ્મયોગનો સંયોગ રહેશે. જુદી જુદી તિથિ પ્રમાણે માતાના વિવિધ સ્‍વરૂપોની પૂજા-અર્ચના થશે. ભક્‍તો નવરાત્રીના દિવસોમાં શૈલપુત્રી, બહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્‍માંડા, સ્‍કંદમાતા, કાત્‍યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી માતાની પૂજા-અર્ચના કરશે. ૧ ઓક્‍ટોબરના રોજ મહાનવમી બાદ ૨ ઓક્‍ટોબરે વિજયાદશમી એટલે કે દશેરા પર્વની રંગારંગ ઉજવણી કરવામાં આવશે. આ વખતે માતાજીનું વાહન હાથી

જ્‍યોતિષીએ ઉમેર્યું હતું કે, આદ્યશક્‍તિના આગમનના વાહન સાથે પણ શુભ-અશુભ સંયોગની માન્‍યતા જોડાયેલી છે. જો આસો સુદ એકમ એટલે કે પડવાની તિથિ રવિવાર કે સોમવારે હોય તો ગજ એટલે કે હાથી, શનિવાર-મંગળવાર હોય તો ઘોડો. ગુરુવાર-શુક્રવાર હોય તો પાલકી. બુધવાર હોય તો હોડીમાં સવાર થઇને માતાજી આવે છે. આ વર્ષે માતાજી હાથી પર સવાર થઇને આવવાના હોય શુભયોગ માનવામાં આવે છે. આ યોગને પગલે વરસાદ ભરપૂર, પાક માટે સારો થવાની અને સુખ-સમૃદ્ધિ આવવાના અણસાર મળે છે.

(9:53 AM IST)