<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

જેલ સળગાવી, બેંક લૂંટાઈ, નેતાઓને માર મારવામાં આવ્‍યોઃ નેપાળમાં અરાજકતાઃ ૧૬૦૦ કેદીઓ ફરાર

જેલમાં હાજર કુલ ૫૭૭ કેદીઓમાંથી ૫૭૬ કેદીઓ ભાગવામાં સફળ રહ્યા, પોખરા જેલમાંથી પણ ૯૦૦ કેદીઓ ભાગી ગયા

કાઠમંડુ, તા.૧૦: નેપાળ હાલમાં ઊંડા રાજકીય અને સામાજિક સંકટનો સામનો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને વધતા ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલા શાંતિપૂર્ણ આંદોલને હવે હિંસક વળાંક લીધો છે. GenZ વિરોધીઓ દરેક જગ્‍યાએ અરાજકતા ફેલાવી રહ્યા છે. પરિસ્‍થિતિ એટલી વણસી ગઈ કે મંગળવાર રાતથી નેપાળી સેનાએ આખા દેશની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે.

તોફાની વિદ્યાર્થીઓએ પહેલા સંસદ ભવન અને મંત્રીઓના નિવાસસ્‍થાનો પર કબજો કર્યો અને પછી બેંકોમાં લૂંટ ચલાવી. એટલું જ નહીં, મંગળવારે રાત્રે, ગુસ્‍સે ભરાયેલા વિદ્યાર્થીઓએ જેલ તોડી ૧૬૦૦ થી વધુ કેદીઓને છોડી દીધા. હવે આ કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે. નેપાળના મહોતારી જિલ્લાના જલેશ્વર સ્‍થિત જેલ તોડી નાખવામાં આવી હતી અને કેદીઓએ તકનો લાભ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, જેલમાં હાજર કુલ ૫૭૭ કેદીઓમાંથી ૫૭૬ કેદીઓ ભાગવામાં સફળ રહ્યા. પોખરા જેલમાંથી પણ ૯૦૦ કેદીઓ ભાગી ગયા. વિરોધીઓ જેલમાં ઘૂસ્‍યા બાદ પોલીસ પાછળ હટી ગઈ. તકનો લાભ લઈને, બધા ૯૦૦ કેદીઓ આરામથી ભાગી જવામાં સફળ રહ્યા. વિરોધીઓએ કાઠમંડુની નાખુ જેલમાં આગ લગાવી દીધી. ભૂતપૂર્વ ગળહમંત્રી રવિ લામિછાને આ જેલમાં કેદ હતા, તેમના સમર્થકો તેમને ઘરે લઈ ગયા. આ ઘટના પછી, બિહાર-યુપી સરહદ પર એલર્ટ છે.

નેપાળમાં સેનાએ વિરોધીઓને લૂંટાયેલા શષાો સેનાને સોંપવાની અપીલ કરી છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું, જનરેશન-ઝેડની આગેવાની હેઠળના આ આંદોલન દરમિયાન, વિનંતી કરવામાં આવે છે કે જો કોઈએ સુરક્ષા કર્મચારીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને સુરક્ષા સાધનો ચોર્યા હોય અથવા મળ્‍યા હોય, તો તેમને શકય તેટલી વહેલી તકે નજીકની સુરક્ષા એજન્‍સી અથવા સુરક્ષા કર્મચારીઓને સોંપી દો. કાઠમંડુના પ્રદર્શનકારી સુભાષે કેપી શર્મા ઓલી વિશે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું, અમે કેપી શર્મા ઓલીને મારવા માંગતા હતા, પરંતુ તે દેશ છોડીને ભાગી ગયો છે. અમે બાકીના નેતાઓને પકડી લીધા હતા. તેવી જ રીતે, નેપાળના અન્‍ય વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો દાવો છે કે કેપી ઓલી હવે દેશ છોડીને ભાગી ગયો છે.

(3:42 PM IST)